પાલિકા દ્વારા ફરીથી રાત્રે ફોન કરી કામ પર બોલાવતા સર્જાયો અકસ્માત
સોમનાથ ખાતે યોજાનાર ‘સોમનાથ અમૃત પર્વની તૈયારીઓ વચ્ચે ગત રાત્રી એક કરુણ ઘટના બનેલ જેમાં વેરાવળ નગરપાલિકામાં રોજમદાર કર્મચારી તરીકે છેલ્લા દસેક વર્ષથી ફરજ બજાવતા તાલુકાના ડાભોર ગામના 32 વર્ષીય મહેશ બારીયાનું નારીયેરી પરથી પટકાતા દુ:ખદ મોત નિપજતા સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, સોમનાથ ત્રિવેણી સંગમ નજીક સુરક્ષાના ભાગરૂૂપે રોડ કિનારે આવેલી એક નારીયેરીમાંથી નારીયેર દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મૃતક મહેશ બારીયા દિવસ દરમિયાન પોતાની ફરજ પૂર્ણ કરીને ઘરે પરત ફર્યા હતા પરંતુ સોમનાથ અમૃત પર્વની તડામાર તૈયારીઓ વચ્ચે નગરપાલિકામાંથી ફરી ફોન કરીને તેમને રાત્રે કામ પર બોલાવવામાં આવ્યા હોવાનું અને પરિવારજનોના જણાવ્યા મુજબ મહેશ રાત્રે નવ વાગ્યા બાદ ઘરેથી નીકળ્યા હતા અને ત્યારબાદ તેમને નારીયેરી પર ચડી નારીયેર ઉતારવાની કામગીરી સોંપવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન અચાનક તેઓ ઊંચાઈ પરથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. નગરપાલિકાના સ્ટાફ દ્વારા તેમને તાત્કાલિક વેરાવળની ખાનગી વિમ્સ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતાં પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હતું.
