બેડી ચોકડી પાસે ટ્રક પાછળ કાર ઘુસી જતાં પ્રૌઢનું મોત

  રાજકોટ નજીક વ્હેલી સવારે કાર ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. જેમાં જામકલ્યાણપુર પંથકના માદેવિયા ગામના રહેવાસી નારણભાઈ પરગીયાનું મોત નીપજ્યું હતું. આગળ જતા વાહને…

 

રાજકોટ નજીક વ્હેલી સવારે કાર ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. જેમાં જામકલ્યાણપુર પંથકના માદેવિયા ગામના રહેવાસી નારણભાઈ પરગીયાનું મોત નીપજ્યું હતું. આગળ જતા વાહને અચાનક બ્રેક મારી હતી. જેમાં કાર રોડની સાઈડમાં લેવા જતા પાર્ક કરેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં ચાલક રામશીભાઈનો બચાવ થયો હતો. ખેતી કામ કરતા મૃતક નારણભાઈ વેવાઈ પક્ષના સગા રામશીભાઈ સાથે આણંદ ફરવા જતા હતા, ત્યારે રસ્તામાં કાળ આંબી જતા પરિવારમાં શોક છવાયો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર, નારણભાઇ સાજણભાઈ પરગીયા (ઉંમર વર્ષ 58, રહે. માદેવિયા ગામ, તા.જામકલ્યાણપુર, જિ. દેવભૂમિ દ્વારકા) આજે સવારે 5.30 વાગ્યાંની આસપાસ કારમાં બેસી જતા હતા ત્યારે રાજકોટ પાસે બેડી ચોકડીથી સોખડા ચોકડી વચ્ચે એચપી પેટ્રોલ પંપ પાસે ટ્રક સાથે અકસ્માત થતા તેમને માથે અને શરીરે ગંભીર ઈજા થઈ હતી. નારણભાઈ ને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં ઇમર્જન્સી વિભાગમાં તેમની સારવાર શરૂૂ કરવામાં આવી હતી. જોકે ટૂંકી સારવારમાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

આણંદ ખાતે રહેતા કારના ચાલક રામશીભાઈએ જણાવ્યું કે, નારણભાઈ તેમના કાકાના દીકરીના સસરા થાય. બે-ત્રણ દિવસ પહેલા રામશીભાઈ માદેવીયા ગામે આવ્યા હતા. તેઓ પરત આણંદ જઈ રહ્યા હતા ત્યારે નારણભાઈએ પણ તેમની સાથે આણંદ ફરવા માટે જઈ રહ્યા હતા. ગઈકાલે રાત્રે બંને કારમાં આણંદ જવા માટે માદેવિયા ગામેથી નીકળ્યા હતા.

વહેલી સવારે રાજકોટ પાસે બેડી ચોકડીથી આગળ પહોંચતા રોડ ઉપર કારથી આગળ જતા વાહને કોઈ પશુ આડુ ઉતરતા જોરદારની બ્રેક મારી હતી. જેથી તે વાહન પાછળ કાર ઘુસી ન જાય તે માટે બચાવ કરવા માટે રામશીભાઈએ રોડની સાઈડમાં કાર ઉતારી હતી. જોકે રોડની સાઈડમાં એક ટ્રક પાર્ક કરેલો હોય તેમાં કાર અથડાઈ હતી.

નારણભાઈ કારમાં ડ્રાઇવર સીટ ની બાજુમાં બેઠા હતા તેમને ગંભીર ઈજા થઈ હતી કારમાં પણ મોટું નુકસાન થયું હતું. ગંભીર ઇજાના કારણે નારણભાઈનું મૃત્યુનીપજ્યું હતું. બનાવવાની જાણ થતા મૃતકના પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતા. નારણભાઈ ખેતીકામ કરતા હતા. 3 ભાઈ અને 3 બહેનમાં વચેટ હતા. તેમને સંતાનમાં 1 દીકરો અને 1 દીકરી છે. અકાળે મોતથી પરિવારમાં શોક છવાયો હતો. કુવાડવા રોડ પોલીસે બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગવરીદડ અને આરટી પાસે ’હિટ એન્ડ રન’: બે યુવાનના મોત
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અકસ્માતના બનાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ બે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં આરટીઓ સામેના સર્વિસ રોડ પર માસૂમ સ્કૂલ પાસે રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં આશરે 30 થી 35 વર્ષનો અજાણ્યો યુવાન સાઇકલ હંકારીને જતો હતો ત્યારે અજાણી બસની ઠોકરે ચડી જતાં ગંભીર ઈજા થતાં 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. આ ઉપરાંત બીજા બનાવમાં મોરબી રોડ પર આવેલ ગૌરીદડ ગામ પાસે બે દિવસ પૂર્વે અકસ્માત સબબ ઘવાયેલા આશરે 28 વર્ષના યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દીધો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં મોતને ભેટેલા બંને યુવકના વાલી વારસની પોલીસે શોધખોળ હાથ ધરી અકસ્માત સર્જી નાસી છૂટેલા વાહન ચાલકોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *