પડદા પાછળ પાક. સાથે મંત્રણા, 3 મહિનામાં બે ગુપ્ત બેઠકો

ઓપરેશન સિંદૂરની પ્રથમ વરસીએ જ ઘટસ્ફોટ, તણાવ ઘટાડવાના નામે નિવૃત્ત લશ્કરી જનરલો અને રાજદ્વારીઓ સક્રિય ઓપરેશન સિંદૂરને એક વર્ષ પૂર્ણ થયા બાદ ભારત અને પાકિસ્તાન…

ઓપરેશન સિંદૂરની પ્રથમ વરસીએ જ ઘટસ્ફોટ, તણાવ ઘટાડવાના નામે નિવૃત્ત લશ્કરી જનરલો અને રાજદ્વારીઓ સક્રિય

ઓપરેશન સિંદૂરને એક વર્ષ પૂર્ણ થયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં હજુ પણ શૂન્યાવકાશ છે. સત્તાવાર સ્તરે કોઈ સંપર્ક નથી થયો, પરંતુ પડદા પાછળ વાતચીતનો માર્ગ ખોલવાના પ્રયાસો તેજ બન્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ મંત્રણાની જવાબદારી બંને દેશોના નિવૃત્ત લશ્કરી જનરલો અને રાજદ્વારીઓએ સંભાળી છે. છેલ્લા ત્રણ મહિનામાં કતાર અને એશિયાના અન્ય એક દેશની રાજધાનીમાં ઓછામાં ઓછી બે વાર ગુપ્ત બેઠકો યોજાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે આ મુલાકાતો અનૌપચારિક છે, પરંતુ તણાવ ઘટાડવા માટેની આ પહેલી મોટી કોશિશ માનવામાં આવે છે.

ભારતીય સરકારી વર્તુળોમાં એવી સર્વસંમતિ બની રહી છે કે ઇસ્લામાબાદ અને રાવલપિંડી (પાકિસ્તાન આર્મી હેડક્વાર્ટર) સાથે વાતચીત માટે એક ગુપ્ત રસ્તો ખુલ્લો હોવો જોઈએ. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલના કાર્યાલય અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયને પણ આ હિલચાલથી વાકેફ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન તરફથી પણ આવી જ ઈચ્છા વ્યક્ત કરાઈ છે. આ મંત્રણાનો મુખ્ય હેતુ ભવિષ્યમાં કોઈ સંભવિત આતંકી હુમલાની સ્થિતિમાં તણાવને વધુ વકરતો અટકાવવાનો અને કટોકટીના સમયે સીધો સંપર્ક સાધવાનો છે.

ભારતનું વલણ હંમેશા સ્પષ્ટ રહ્યું છે કે ’આતંકવાદ અને મંત્રણા સાથે ન ચાલી શકે’. જોકે, બેક-ચેનલ વાટાઘાટોને આ સિદ્ધાંતનું ઉલ્લંઘન માનવામાં આવતું નથી. તેને એક એવી વ્યવસ્થા તરીકે જોવામાં આવે છે જેનાથી સંકટ સમયે ભારત સરકાર સીધી પાકિસ્તાની નેતૃત્વ સાથે વાત કરી શકે. હાલમાં બંને દેશો વચ્ચે માત્ર DGMO સ્તરે સાપ્તાહિક હોટલાઈન દ્વારા જ વાતચીત થાય છે, જે અપૂરતી સાબિત થઈ શકે છે. હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની ભૂમિકા બદલાઈ રહી છે.

અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવમાં પાકિસ્તાન સક્રિય છે. પાકિસ્તાની સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરની પકડ મજબૂત થઈ છે અને તેમને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું પણ સમર્થન હોવાનું મનાય છે. આવી સ્થિતિમાં, જો કોઈ નવો આતંકી હુમલો થાય, તો ઇસ્લામાબાદ પર આંતરરાષ્ટ્રીય દબાણ લાવવું ભારત માટે પડકારજનક બની શકે છે. તેથી, ભારત માટે સીધા સંવાદની વ્યવસ્થા રાખવી અત્યંત મહત્ત્વની બની ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *