વડોદરા-સોમનાથ-જામનગરમાં PM મોદીના રોડ શો

રવિવારે રાત્રે જામનગર પહોંચશે, સોમવારે સોમનાથમાં રોડ શો, મહાપૂજા બાદ જંગી જાહેરસભા સંબોધશે ગુજરાતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના બે દિવસના સતાવાર કાર્યક્રમની અંતે જાહેરાત કરવામાં આવી…

રવિવારે રાત્રે જામનગર પહોંચશે, સોમવારે સોમનાથમાં રોડ શો, મહાપૂજા બાદ જંગી જાહેરસભા સંબોધશે

ગુજરાતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના બે દિવસના સતાવાર કાર્યક્રમની અંતે જાહેરાત કરવામાં આવી છે. રાજય સરકારના પ્રવકતામંત્રી જીતુ વાઘાણીએ જાહેર કરેલા કાર્યક્રમ મુજબ વડાપ્રધાન તા.10મીએ રાત્રે જામનગર આવશે અને 11મીએ સોમવારે રાત્રે વડોદરાથી પરત દિલ્હી જવા રવાના થશે. પી.એમ. મોદીના બે દિવસના પ્રવાસ દરમિયાન રવિવારે રાત્રે જામનગર ખાતે તેમજ સોમવારે વેરાવળ-સોમનાથ તથા વડોદરા ખાતે ભવ્ય રોડ શો યોજવામાં આવનાર છે. વડાપ્રધાનના કાર્યક્રમના પગલે વહીવટીતંત્ર અને આખી સરકાર વ્યવસ્થામાં લાગી ગઇ છે.

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાનારા ’અમૃત પર્વ’ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને સમગ્ર વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન એક્શન મોડમાં છે. આ અંગે પૂર્વ મંત્રી અને ભાજપ પ્રવક્તા જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને વડાપ્રધાનના બે દિવસીય ગુજરાત પ્રવાસની વિગતવાર માહિતી પૂરી પાડી હતી. જામનગરથી સોમનાથ સુધીનું વડાપ્રધાનના પ્રવાસનું શેડયુલ જાહેર કર્યું હતું.

વડાપ્રધાન તા.10 તારીખે રાતે 9 વાગ્યે જામનગર ખાતે આવી પહોંચશે. જામનગરના લાલ બંગલો સર્કલ ખાતે તેમનું ભવ્ય લોકસ્વાગત કરવામાં આવશે. વડાપ્રધાન તે રાત્રિએ જામનગરમાં જ રોકાણ કરશે. જયારે 11 તારીખે બીજા દિવસે સવારે પીએમ સોમનાથ પહોંચશે. સોમનાથ હેલિપેડથી હમીરજી ગોહિલ સર્કલ સુધીના અંદાજે 1 કિલોમીટર લાંબા માર્ગ પર ભવ્ય રોડ-શો યોજાશે. આ રોડ-શોમાં વિવિધ રાજ્યો અને સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટેબલો દ્વારા તેમનું અભિવાદન કરાશે.

આ વખતે સોમનાથમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર વાયુસેના રહેશે. એર ફોર્સની ’સૂર્યકિરણ’ ટીમ દ્વારા આકાશમાં અદભૂત એર-શો યોજવામાં આવશે. આ સાથે જ હેલિકોપ્ટર દ્વારા મંદિર અને રોડ-શોના માર્ગ પર પુષ્પવર્ષા કરવામાં આવશે.

સોમનાથ મંદિર પરિસરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી વિધિવત પૂજા-અર્ચના કરશે. પૂજાવિધિ પૂર્ણ કર્યા બાદ તેઓ સભા સ્થળ પર પહોંચશે, જ્યાં હજારોની સંખ્યામાં ઉમટી પડનારી જનમેદનીને સંબોધન કરશે.

જયારે સોમનાથના કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદી હેલિકોપ્ટર માર્ગે રાજકોટ હિરાસર એરપોર્ટ પહોંચી ત્યાંથી વિમાન માર્ગે સાંજે 4.45 કલાકે વડોદરા પહોંચશે. જયાં સરદારધામ ભવનનું લોકાર્પણ અને આમંત્રીતોને સંબોધન કર્યા બાદ સાંજે સાત વાગ્યે ગોલ્ડન ચોકડીથી એરપોર્ટ સુધીનો રોડ શો કરશે.

વડાપ્રધાન સોમવારે રાજકોટ એરપોર્ટ પર ટૂંકુ રોકાણ કરી વડોદરા જશે
આગામી તા.10 અને 11ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે ત્યારે સોમવારે સાંજે વડાપ્રધાન હિરાસર એરપોર્ટ પર પધારશે. સોમનાથમાં સ્વાભિમાન પર્વ નિમિતે જંગી સભાને સંબોધ્યા બાદ વડાપ્રધાન હેલીકોપ્ટર મારફતે રાજકોટ પધારશે અને એરપોર્ટ પરથી જ વિમાન મારફતે વડોદરા જવા રવાના થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *