સેન્ટ્રલ ઝોનની 37, ઇસ્ટ ઝોનની 13 અને વેસ્ટ ઝોનની 6 મિલકતોમાં સ્ટ્રક્ચર્સ સ્ટેબિલિટીની ચકાસણીનો આદેશ
રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી અંગે એક નહીં અનેકવિધ પ્રશ્નો ઊભા થયા છે હાલ ચોમાસુ પૂર્વેજ કોર્પોરેશન દ્વારા વોકળા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે પરંતુ જે લાભ થવો જોઈએ તે થતો નથી અને ચોમાસામાં પાણી ભરાવાનો પ્રશ્ન પણ સતાવતો રહે છે ત્યારે ચોકાવનારી વિગત એ સામે આવી છે કે મહાનગરપાલિકાની પોતાની 56 મિલકતોમાં જ સ્ટેબિલિટી રિપોર્ટ નથી જેને લઇને તંત્ર ઊંઘતું ઝડપાયું છે.
ચોમાસુ નજીક આવતાની સાથે જ તંત્રએ 56 મિલકતોને સ્ટ્રક્ચરની ચકાસણી કરવા માટેનો આદેશ કર્યો છે .
મહાનગરપાલિકા હસ્તકની 56 જેટલી મિલકતોના સ્ટ્રક્ચરલ સ્ટેબિલીટી ચેક કરવાની કામગીરી એસ્ટેટ વિભાગ અને બાંધકામ વિભાગ વચ્ચેના સંકલનના અભાવે અટકી પડી હતી. જેની નોંધ લેવાતા જ તંત્રએ આજે તમામ ઝોનના સિટી એન્જિનિયરને ચકાસણી કરવા માટેનો આદેશ કર્યો છે વાત કરવામાં આવે તો સેન્ટ્રલ ઝોનમાં 37, ઇસ્ટ ઝોનમાં 13 અને વેસ્ટ ઝોનમાં છ કે જે મનપા હસ્તકની મિલકતો છે તેમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ની ચકાસણી કરવા માટે સીટી એન્જિનિયરને તાકીદ કરવામાં આવી છે.
ગત વર્ષે ચોમાસા પહેલાના એક મહિના અગાઉ એસ્ટેટ શાખા દ્વારા ત્રણેય ઝોનના ઇજનેરોને પત્ર લખીને એસ્ટેટ શાખા હસ્તકની 56 મિલકતોની સ્ટ્રક્ચરલ સ્ટેબિલીટી ચેક કરવા માટે જાણ કરવામાં આવી હતી. પણ આ વર્ષે એસ્ટેટ શાખાની આળસને કારણે કે જે સમયે થવું જોઈએ તે થયું નથી અને અંતે મરણિયું થઈને આ ચકાસણી કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે જે વિભાગની નીરસ્તા દેખાડે છે.
રાજકોટ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા હસ્તક ત્રણેય ઝોનમાં 56 જેટલી મિલકતો આવેલી છે. આ તમામ મિલકતો ભાડે અપાયેલી છે. સામાન્યરીતે એસ્ટેટ શાખા દ્વારા દર વર્ષે ચોમાસા પહેલા આ તમામ ઈમારતોની સ્ટ્રક્ચરલ સ્ટેબિલીટીની ચકાસણી કરવા માટે ઇજનેરોને પત્ર લખીને જાણ કરવામાં આવે છે. સિટી ઇજનેરોના રિપોર્ટ આધારે જે મિલકત જોખમી જણાય તે મિલકતો ખાલી કરાવવા માટે એસ્ટેટ શાખા દ્વારા નોટિસ આપવામાં આવે છેફ ગત વર્ષે ઇજનેરોના રિપોર્ટ આધારે લાખાજીરાજ માર્કેટ ખાલી કરાવાઇ હતી આવી જ રીતે જ્યુબીલી શાક માર્કેટના નવનિર્માણ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.
એસ્ટેટ શાખા હસ્તકની ત્રણેય ઝોનમાં કુલ 56 મિલકતોમાંથી સૌથી વધુ સેન્ટ્રલઝોનમાં છે. આમાં સૌથી વધુ સેન્ટ્રલ ઝોનમાં 38 મિલકતો છે. જ્યારે ઇસ્ટઝોનમાં 12 અને વેસ્ટઝોનમાં છ મિલકતો છે. ગત વર્ષે સેન્ટ્રલ ઝોન હસ્તકની લાખાજીરાજ માર્કેેટ, પેલેેસ રોડ પર આવેલા ચેતન હાર્ડવેર અને ભૂતખાના ચોકમાં આવેલા અનીલ સમોસાવાળી મિલકત અતિ જોખમી અને જર્જરિત હોવાના કારણે ખાલી કરાવવાના બાંધકામ શાખાના રિપોર્ટ બાદ એસ્ટેટ શાખાએ આ તમામ મિલકતોના ભાડુઆતોને નોટિસ આપીને મિલકત ખાલી કરવા આદેશ ર્ક્યો હતો. આમાંથી ખાલી લાખાજીરાજ માર્કેટ ખાલી કરાવવામાં એસ્ટેટ શાખાનેે સફળતા મળી હતી જ્યારે પેલેસ રોડ પરના ચેતન હાર્ડવેરની મિલકત અને ભૂતખાના ચોકમાં આવેલા અનીલ સમોસાવાળા મિલકત કોઇને કોઇ અકળ કારણોસર ખાલી કરાવી શકાઇ નહોતી. ગત વર્ષના પ્રમાણમાં આ વર્ષે એસ્ટેટ શાખા હસ્તકની આ મિલકતો વધુ જોખમી અને જર્જરિત બની હોવા છતાં જે સમયે ચકાસણી કરવા માટે જાણ કરવામાં આવી જોઈએ તે કરાય નથી. અને મોડે મોડે રીપોર્ટ આપવા જણાવ્યું છે.
