રાજકોટ સહિત રાજ્યના 15 મ્યુનિ. કમિશનરની સાગમટે બદલીનો તખતો તૈયાર

  ચૂંટણીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને આચાર સંહિતા પણ ઉઠી ગઈ છે ત્યારે હાલ મહાનગરપાલિકાના સંપર્ક સૂત્રોના જણાવ્યા અનુસાર આવનારા સમયમાં રાજકોટ સહિત 15…

 

ચૂંટણીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને આચાર સંહિતા પણ ઉઠી ગઈ છે ત્યારે હાલ મહાનગરપાલિકાના સંપર્ક સૂત્રોના જણાવ્યા અનુસાર આવનારા સમયમાં રાજકોટ સહિત 15 મહાનગરપાલિકાના કમિશનરોની સાગમઠે બદલી થશે. એટલું જ નહીં જે નવી મહાનગરપાલિકાઓની રચના થઈ છે તેને યોગ્ય અને અનુભવી મ્યુ. કમિશનર મળે તે હેતુસર તખતો તૈયાર કરાયો છે. રાજકોટ સહિત રાજ્યની તમામ 15 મહાનગર પાલિકાઓની ચૂંટણી પુરી થઇ ગઇ છે. અને આગામી દિવસોમાં તમામ મહાનગર પાલિકાઓમાં પદાધિકારીઓની નિમણુંક પણ થઇ જવાની છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ 15 મહાનગર પાલિકાઓના કમિશનરોની સાગમટે બદલી કરવા માટેનો તખ્તો ગોઠવાઇ ગયાનું સુુત્રોમાંથી જાણવા મળે છે.

રાજકોટ સહિત રાજ્યની જુની આઠ અને નવી સાત સહિત પંદર મહાનગર પાલિકાઓની ચૂંટણીની પ્રક્રિયા પુરી થઇ ગઇ છે અને મેયર સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના મુખ્ય પાંચ પદાધિકારીઓની નિમણુંક માટે સેન્સ પણ લેવાઇ ગઇ છે. ત્યારે હવે પદાધિકારીઓની નિયુક્તિ બાદ આ તમામ મહાનગર પાલિકાઓના કમિશનરની સામુહિક બદલી કરવામાં આવશે તેવું મહાનગર પાલિકાના સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

સુત્રોના કહેવા મુજબ રાજકોટ, જામનગર,ભાવનગર જૂનાગઢ સહિતની આઠ જુની મહાનગરપાલિકાઓમાં હાલમાં આઇએએસ અધિકારીઓ કમિશનર તરીકે ફરજ બજાવે છે જ્યારે મોરબી, સુરેન્દ્રનગર સહિતની સાત નવનિર્મિત મહાનગર પાલિકાઓમાંથી કેટલાંક સ્થળે હજી ઇન્ચાર્જ કમિશનર છે. આ તમામ મહાનગર પાલિકાઓમાં કાયમી કમિશનરની નિમણુંક કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પદાધિકારીઓની નિમણુંક માટે મળનારી પાર્લામેન્ટરી બેઠકમાં નિર્ણય લેવાઇ જશે. પણ વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે હોય તેમની મુલાકાત બાદ પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવશે.

આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા આ વખતે નિયમોમાં ફેરફાર કરીને પદાધિકારીઓની નિમણુંક બાદ જનરલ બોર્ડનો પ્રથમ એજન્ડા અને દરખાસ્ત કરવાની જવાબદારી જે તે મહાનગરપાલિકાના કમિશનરોને સુપરત કરી છે. આથી, પ્રથમ જનરલબોર્ડમાં પદાધિકારીઓની સત્તાવાર નિયુક્તિ થઇ જાય ત્યારબાદ તમામ 15 મહાનગરપાલિકાના કમિશનરોની સાગમટે બદલી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા કમિશનરોના નામની યાદી પણ તૈયાર કરી નાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે નવનિયુક્ત પદાધિકારીઓને અનુકુળ બનીને રહે તેવા આઇએસએસ અધિકારીની કમિશનર તરીકે નિમણુંક કરવામાં આવશે. રાજકોટના કમિશનર તુષાર સુમેરાની પણ બદલી થઇ રહ્યાની ચર્ચાઓ મહાનગરપાલિકા કચેરીમાં સાંભળવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *