આંતરધર્મીય લગ્નની આશંકાએ નોંધણી કચેરીએ VHP-બજરંગ દળનો હલ્લાબોલ

  હાઇકોર્ટે બે મહિના પહેલા લગ્ન નોંધણીનો આદેશ કર્યો હતો, આજે નોંધણીનો સમય માંગેલ હોવાથી 1 ACP, 5 PI સહિત 150 જવાનોનો બંદોબસ્ત ખડકી દેવાયો…

 

હાઇકોર્ટે બે મહિના પહેલા લગ્ન નોંધણીનો આદેશ કર્યો હતો, આજે નોંધણીનો સમય માંગેલ હોવાથી 1 ACP, 5 PI સહિત 150 જવાનોનો બંદોબસ્ત ખડકી દેવાયો

અમદાવાદની ઘી કાંટા કોર્ટમાં હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્ન રજિસ્ટ્રેશનને લઈને તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન નોંધણી માટે બંને કોર્ટમાં હાજર થવાના હતા, તેવી માહિતી મળતા વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો સ્થળે પહોંચ્યા હતા, જેના કારણે પરિસ્થિતિ વધુ સંવેદનશીલ બની ગઈ હતી અને કોર્ટ પરિસરમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. અમદાવાદ પોલીસ દ્વારા 1 એસીપી, 5 પીઆઇ સહીત 150 થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો હતો.

માર્ચમાં ગુજરાત હાઈકોર્ટે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ બંનેના લગ્ન નોંધણી માટે મંજૂરી આપતી સાથે યુવકને યુવતીની આર્થિક સુરક્ષા માટે 3 લાખ રૂૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણય બાદ બંને પક્ષો કાનૂની પ્રક્રિયા મુજબ રજિસ્ટ્રેશન માટે આગળ વધી રહ્યા હતા. માહિતી મળ્યા બાદ વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો કોર્ટ પર પહોંચ્યા હતા. કાર્યકરોનું કહેવું હતું કે આવા કેસો વારંવાર સામે આવે છે અને તેઓ હિન્દુ યુવતીઓને પરત લાવવાની કામગીરી કરે છે. બીજી તરફ પરિસ્થિતિ કાબૂ બહાર ન જાય તે માટે પોલીસ દળને તાત્કાલિક વધારવામાં આવ્યો હતો. યુવતી હાલમાં અમદાવાદના નારી સંરક્ષણ ગૃહમાં છે. અગાઉ મહેસાણા જિલ્લામાં લિવ-ઇન સંબંધમાં રહેતા આ કપલને અલગ કરવામાં આવ્યા બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખીને યુવતીને ત્યાં રાખવામાં આવી હતી.

કેસમાં હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે લગ્ન નોંધણી સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ જ થવી જોઈએ અને ભવિષ્યમાં કોઈ વિવાદ થાય તો યુવતીની આર્થિક સુરક્ષા માટે યુવકે રકમ જમા કરાવવી જરૂૂરી રહેશે. યુવકે તમામ કાનૂની શરતો સ્વીકારી હોવાનું પણ રેકોર્ડ પર આવ્યું હતું. સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે કોર્ટ પરિસરમાં વધારાની ફોર્સ તહેનાત કરી હતી જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. હવે આ મામલે આગળની સુનાવણી 8 મે, 2026ના રોજ થવાની છે, જેના પર સૌની નજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *