વળાંકમાં યુ-ટર્ન લેતી કારને બચાવવા જતા સર્જાયેલા અકસ્માતમાં 10 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી
રાજકોટ-ભાવનગર હાઈ-વે પર કાળીપાટ ગામ પાસે વળાંક નજીક યુ-ટર્ન લેતી કારને બચાવવા જતાં ભાડલાથી દૂધ ભરીને રાજકોટ આવતો મિનિટ્રક પલ્ટી ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં એકનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું જ્યારે એક જ પરિવારના 6 સહિત 10 લોકોને ઈજા પહોંચતા સિવિલમાં ખસેડાયા હતા. સારવાર દરમિયાન વધુ એક યુવકનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ભાડલાથી મિનિટ્રકમાં દૂધ ભરીને ચાલક સહિત 11 જેટલા લોકો રાજકોટ તરફ આવી રહ્યા હતા ત્યારે કાળીપાટ ગામ પાસે યુ-ટર્ન લેતી કારને બચાવવા જતાં ચાલકે કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે દૂધ ભરેલ મિનિટ્રક રોડ પાસે ખેતરમાં પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ભીમાભાઈ અમરશીભાઈ મકવાણા (ઉ.વ. 55, રહે. દહીંસરા ગામ, તા. જસદણ)ને ગંભીર ઈજા પહોંચતા સિવિલમાં ખસેડાયા હતા, જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું.મૃતક ત્રણ ભાઈમાં વચેટ હતા સંતાનમાં એક દિકરી અને એક દીકરો છે.તેઓ ખેતી કામ અને દૂધનો ધંધો કરતા હતા તેઓ દૂધ આપવા રાજકોટ આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.
આ ઉપરાંત ટ્રકમાં રહેલા જિતેશભાઈ ધીરૂૂભાઈ ચોવસીયા (ઉ.વ. 27), તેના પત્ની અંજલીબેન (ઉ.વ. 25), પુત્ર અનુશ (ઉ.વ. 5), કાર્તિક (ઉ.વ. 5), પુત્રી મિત્તલ (ઉ.વ. 8) અને નતાશા (ઉ.વ. 5) (રહે. બધા સુરત, મૂળ દહીંસરા) ઉપરાંત માવજીભાઈ ગોપાભાઈ લીંબડીયા (ઉ.વ. 55, રહે. દહીંસરા), સુરેશ ધીરૂૂભાઈ ઉધરેજીયા (ઉ.વ. 25), જિતેશ ધીરૂૂભાઈ પરમાર (ઉ.વ. 30) અને માંડલભાઈ સહિત 10 લોકોને ઈજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા ભાડલાના વડાળી ગામના સૂરજ ઉર્ફે સુરેશ ધીરૂૂભાઈ ઉધરેજીયાએ સારવાર દરમિયાન દમ તોડી દેતા મૃત્યુ આંક બે થયો હતો. યુવાનના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.પ્રાથમિક પૂછપરછમાં મૃતક સૂરજ ઉર્ફે સુરેશ ઉધરેજીયા દૂધ દેવા હેલ્પર તરીકે કામ કરતો હતો. અને દૂધ દેવા રાજકોટ આવતો હતો ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
