ગોંડલના શિવરાજગઢ રોડ પર હિટ એન્ડ રન ની ઘટના બની હતી. શ્રી હરિ ધાણાદાળના કારખાનામાં નોકરી પૂરી કરીને છકડા રિક્ષામાં પોતાના ઘરે માંડલકુંડલા જઈ રહેલા શ્રમિકોને એક અજાણ્યા બોલેરો ચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જી બોલેરો ચાલક વાહન સાથે નાસી છૂટ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલના કારખાનામાં મજૂરી કામ કરી શ્રમિકો છકડા રિક્ષામાં સવાર થઈ પરત ફરી રહ્યા હતા, ત્યારે શિવરાજગઢ પાસે પૂરપાટ ઝડપે આવતી બોલેરો કારના ચાલકે રિક્ષાને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર ચાર વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જેમાં ભાનુબેન ભીખાભાઈ બાંભવા (ઉં.વ. 55), ગૌરીબેન મહેન્દ્રભાઈ સોલંકી (ઉં.વ. 42), ભાયાભાઈ રત્નાભાઇ બાંભવા (ઉં.વ. 55) તેમજ શીતલબેન ભાયાભાઈ બાંભવા (ઉં.વ. 20) ઇજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્ત લોકને સારવાર માટે શિવમ સાર્વજનિક ટ્રસ્ટ એમ્બ્યુલન્સ મદદ માટે દોડી ગઈ હતી.
અકસ્માતને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક ગોંડલની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના કેસ પેપર્સ મુજબ, ઈજાગ્રસ્તોને છાતીના ભાગે તેમજ હાથ-પગમાં ઈજાઓ પહોંચી છે. ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
