બાઈક આડે કૂતરું ઉતરતા અકસ્માત; આરંભડાના યુવાનનું અપમૃત્યુ

ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા પ્રદ્યુમનસિંહ નિર્મળસિંહ વાઢેર નામના યુવાન ગત તા. 7 એપ્રિલના રોજ સાંજના સમયે પોતાના બજાજ ડિસ્કવર મોટરસાયકલ પર બેસીને પોતાના ઘરેથી…

ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા પ્રદ્યુમનસિંહ નિર્મળસિંહ વાઢેર નામના યુવાન ગત તા. 7 એપ્રિલના રોજ સાંજના સમયે પોતાના બજાજ ડિસ્કવર મોટરસાયકલ પર બેસીને પોતાના ઘરેથી ઓખા ખાતે રહેતા તેમના એક સંબંધીના ઘરે ઓખા જઈ રહ્યા હતા. ત્યારે ઓખા હાઈવે પર આવેલા નેતરના પુલ પાસે પહોંચતા તેમના મોટરસાયકલ આડે એકાએક કૂતરું ઉતરી આવ્યું હતું. જેના કારણે બાઇક ચાલક પ્રદ્યુમનસિંહ વાઢેર બાઇક સાથે ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં તેમને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઈજાઓ થતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ હર્ષવર્ધનસિંહ પ્રદ્યુમનસિંહ વાઢેર (રહે. આરંભડા) એ મીઠાપુર પોલીસને કરી છે.

ભાણવડના યુવાને જિંદગી ટૂંકાવી
ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતા મનસુખભાઈ ચનાભાઈ બાટા નામના 35 વર્ષના યુવાનની પત્ની છેલ્લા એકાદ વર્ષથી રિસામણે ગઈ હતી. તેણીને મનસુખભાઈ તેડવા ગયા હોવા છતાં તેણી પરત આવી ન હતી. આ બાબતે મનસુખભાઈને મનમાં લાગી આવતા ગત તા. 4 ના રોજ તેમણે પોતાના ઘર છતની હુકમાં દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ હસમુખભાઈ ગોવિંદભાઈ બાટા (ઉ.વ. 45, રહે. મોરઝર, તા. ભાણવડ) એ સ્થાનિક પોલીસને કરી છે.

સુરજકરાડીના યુવાનનું બુલેટ અકસ્માતમાં મૃત્યુ
મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા અનિલભા જોધાભા માણેક નામના યુવાન થોડા દિવસો પૂર્વે તેમના જી.જે. 37 એન. 8123 નંબરના બુલેટ મોટરસાયકલ પર બેસીને સુરજકરાડીથી ઉદ્યોગનગરમાં જઈ રહ્યા હતા. અહીં માર્ગમાં ગટરનું કામ ચાલી રહ્યું હતું અને રસ્તામાં માટીની પાળીની આડસ કરી હતી. જે ટપાડવા જતા અનિલભા અહીં બુલેટ સાથે પડી ગયા હતા. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત અનિલભા માણેકને હોસ્પિટલમાં અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના ભાઈ સુનિલભા જોધાભા માણેક (ઉ.વ. 25, રહે. સુરજકરાડી)એ મીઠાપુર પોલીસને કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *