ગોંડલ નાં ભગવતપરા વિસ્તારમાં રાત્રિના સમયે ઘોડો દોડાવવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂૂપ ધારણ કર્યું હતું. શેરીમાં બાળકો રમતા હોવાથી ઘોડો અહીં ન ખેલાવવાનું કહેતા ઉશ્કેરાયેલા શખ્સે દંપતી પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભગવતપરામાં રહેતા મહેશભાઈ ચમનભાઈ ગોહેલ (ઉ.વ. 35) ગત રાત્રે 9 વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતા. તે દરમિયાન સલીમ નામનો શખ્સ ત્યાં ઘોડો લઈને નીકળ્યો હતો. શેરીમાં બાળકો રમતા હોવાથી કોઈ અકસ્માત ન સર્જાય તે હેતુથી મહેશભાઈના પત્નીએ સલીમને આ શેરીમાં ઘોડો ન ખેલાવવા અને બીજી શેરીમાં જવા વિનંતી કરી હતી.
આ શિખામણ સલીમને ન ગમતા તેણે ઉશ્કેરાઈ જઈને પોતાના સાથીદારો સાથે મળીને મહેશભાઈ પર લાકડીઓ વડે તૂટી પડ્યો હતો. આ ઝઘડામાં મહેશભાઈને બચાવવા વચ્ચે પડેલા તેમના પત્નીને પણ ઈજાઓ પહોંચી હતી.
હુમલા બાદ ઈજાગ્રસ્ત મહેશભાઈને તાત્કાલિક ગોંડલ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ ગંભીર હાલત જણાતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બનાવ અંગે ગોંડલ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી મહેશભાઈનું નિવેદન નોંધ્યું હતું. પોલીસે હુમલાખોર સલીમ અને તેની સાથેના અન્ય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ અને ધરપકડની તજવીજ હાથ ધરી છે.
