રાજકોટમાં ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલને 50 રૂપિયાની લાંચ મોંઘી પડી; 10 વર્ષની સજા અને 3 લાખનો દંડ

રાજકોટમાં 8 વર્ષ પૂર્વે વાહન ચેક ન કરવાના અવેજ પેટે એક માસ માટે લાંચ મળી ગયાની કાર્ડ બતાવી 50 રૂપિયાની લાંચ લેતાં ઝડપાયેલા ટ્રાફીક શાખાના…

રાજકોટમાં 8 વર્ષ પૂર્વે વાહન ચેક ન કરવાના અવેજ પેટે એક માસ માટે લાંચ મળી ગયાની કાર્ડ બતાવી 50 રૂપિયાની લાંચ લેતાં ઝડપાયેલા ટ્રાફીક શાખાના હેડ કોન્સ્ટેબલને 10 વર્ષની સજા અને રૂા.3 લાખનો દંડ તેમજ પોલીસ કર્મી વતી વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરતાં વચ્ચેટીયાને સાત વર્ષની સજા અને બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ કેસની હકીકત મુજબ રાજકોટમાં વર્ષ 2018માં વેપારી સાગરભાઈ મનસુખભાઈ પટેલે પોતાના ધંધાના માલસામાનની હેરાફેરી માટે ઓટો રીક્ષા રાખી હતી. ગોંડલ ચોકડીથી કુવાડવા પોલીસ ચોકી વચ્ચેથી ઓટો રીક્ષા પસાર થાય ત્યારે ચારેક જગ્યાએ ટ્રાફીક પોલીસના કર્મચારીઓ રીક્ષા રોકી ચેક ન કરવાના અવેજ પેટે રૂા.50 લઈ ચોક્કસ કાર્ડ આપતાં હોવાની રીક્ષા ડ્રાઈવર અર્જુનભાઈએ વેપારી સાગરભાઈ પટેલને જાણ કરી હતી. જે અંગે સાગરભાઈ પટેલે એસીબીમાં જાણ કરી હતી. ફરિયાદના આધારે એસીબીની ટીમે વહેલી સવારે પાંચ વાગ્યે છટકુ ગોઠવી હેડ કોન્સ્ટેબલ બીપીનભાઈ લવજીભાઈ મકવાણા વતી વાહન રોકી રૂા.50ની લાંચ લેતાં વચેટીયા દિપક કાનજીભાઈ પરમારને રંગેહાથ ઝડપી લીધો હતો. જે લાંચ કેસમાં તપાસ અધિકારી દ્વારા પુરતો પુરાવો મળતાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું.

જે કેસ સ્પે.કોર્ટમાં ચાલવા ઉપર આવતાં બન્ને પક્ષની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ લાંચ કેસમાં ટ્રાફીક શાખાના હેડ કોન્સ્ટેબલ બિપીન લવજીભાઈ મકવાણાને 10 વર્ષની સજા અને ત્રણ લાખનો દંડ તેમજ મદદગારી કરનાર દિપકભાઈ કાનજીભાઈ પરમારને સાત વર્ષની સજા અને રૂા.બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ સંજયભાઈ કે.વોરા રોકાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *