શહેરના 150 ફુટ રીંગરોડ પર ઉમીયા ચોક પાસે આવેલ આકાશદીપ સોસાયટીમાં રહેતા બાવાજી યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પુત્રીએ પ્રેમલગ્ન કરી લીધા હોય જેના આઘાતમાં પિતાએ આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ બનાવથી બાવાજી પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ ઉમીયા ચોક પાસે આવેલ ન્યુ આકાશદીપ સોસાયટી શેરી નં.2માં રહેતા રાજેશગીરી દયાળગીરી ગોસ્વામી (ઉ.વ.42) નામના યુવાને આજે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના એએસઆઇ ડી.સી. જોશી સહીતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક રાજેશગીરી બે ભાઇ ત્રણ બહેનમાં વચેટ અને મિસ્ત્રી કામ કરતા હતા. તેમને સંતાનમાં ત્રણ દિકરી હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસમાં તેમની પુત્રીએ પ્રેમ લગ્ન કરી લીધા હોય જેથી રાજેશગીરી આઘાતમાં રહેતા હતા જેના કારણે ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધાનો પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે. પરિવારના મોભીના આપઘાતના બનાવથી બાવાજી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
