બંગાળમાં ભાજપનો વિજય, કમલમમાં ઝાલમુરીનો જલ્સો

મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ભાજપ પ્રમુખ સહીતના નેતાઓએ કરી ઉજવણી પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય અને ઐતિહાસિક જીતને વધાવવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ભાજપ પ્રમુખ સહીતના નેતાઓએ કરી ઉજવણી

પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય અને ઐતિહાસિક જીતને વધાવવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય ’શ્રી કમલમ’, કોબા, ગાંધીનગર ખાતે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. જ્યાં કાર્યકરોએ ફટાકડા ફોડી, ઢોલ નગારાના તાલે વંદે માતરમ અને જય શ્રી રામના નાદ સાથે ઉજવણી કરી હતી.

ભાજપા પ્રદેશ કાર્યાલય ’શ્રી કમલમ’ ખાતે પશ્ચિમ બંગાળની પ્રખ્યાત ’ઝાલમુરી’ નો સ્ટોલ લગાવવામાં આવ્યો હતો, જ્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભાજપાના કાર્યકરોએ ઝાલમુરીનો સ્વાદ માણ્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનો આ વિજય માત્ર એક ચૂંટણીમાં મળેલી જીત નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસવાદ પર જનતાએ મૂકેલો અતૂટ વિશ્વાસ છે. આજના ચૂંટણીના પરિણામોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિ અને ’વિકસીત ભારત 2047’ ના સંકલ્પનો વિજય ગણાવી અભિનંદન પાઠવ્યા હતાં.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપાની ભવ્ય જીતને જનતાના આશીર્વાદનું પરિણામ ગણાવતા જણાવ્યું કે, પૂર્વથી પશ્ચિમ સુધી ભાજપાનો ભગવો લહેરાયો છે. પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ઐતિહાસિક વિજય તેમજ ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં જીત માટે તેમણે જનતાનો આભાર વ્યક્ત કર્યો અને આ વિજયને કાર્યકર્તાઓના સંઘર્ષ, માતા-બહેનોના આશીર્વાદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના અંત્યોદય અને લોકકલ્યાણના કાર્યોનું પરિણામ ગણાવ્યો હતો.

હર્ષ સંઘવીએ બંગાળમાં ભાજપના વિજયને ઐતિહાસિક ગણાવતા જણાવ્યું હતું કે, આ જીત સાથે બંગાળના નાગરિકોને જંગલરાજ માંથી મુક્તિ મળી છે અને હવે વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચશે તેમજ વિકાસ અને રોજગારીના નવા દ્વાર ખુલશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *