પંચમહાલના કાલોલ નજીક મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ-વે પર એક ભયંક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયાં હતાં. જ્યારે પરિવારની એક પુત્રીનો આબાદ બચાવ થયો છે. અજાણ્યા વાહને કારને ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો હતો.
મળતી વિગતો અનુસાર, આ અકસ્માત ગોધરાના ભાટપુરા ગામ પાસે સર્જાયો હતો. સુરતથી કાર મારફતે પોતાના વતન મુડાવડેખ જઈ રહેલા પંડ્યા પરિવારને અકસ્માત નડ્યો હતો. ભાટપુરા પાસે તેમની કાર કોઈ અજાણ્યા વાહન સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
આ કરુણ ઘટનામાં માતા, પિતા અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે જૈની પંડ્યા નામની બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી છે. તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. અકસ્માત કયા કારણોસર અને કેવી રીતે સર્જાયો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકોના નામ
હેમંતભાઈ પંડ્યા (ઉં.વ. 44)
કિંજલબેન પંડ્યા (ઉં.વ. 42)
આયુષ પંડ્યા (ઉં.વ. 17)
