ગોંડલ હાઈવે પર સ્કોર્પિયો અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: 2નાં મોત

ગોંડલ માઠા પ્રસંગેથી પરત આવતાં રાજકોટ અને થાનગઢના પરિવારને નડયો અકસ્માત, પાંચને ઈજા રાજકોટ શહેરના વ્યસ્ત ગણાતા ગોંડલ રોડ પર આજે એક કાળજું કંપાવનારી દુર્ઘટના…

ગોંડલ માઠા પ્રસંગેથી પરત આવતાં રાજકોટ અને થાનગઢના પરિવારને નડયો અકસ્માત, પાંચને ઈજા

રાજકોટ શહેરના વ્યસ્ત ગણાતા ગોંડલ રોડ પર આજે એક કાળજું કંપાવનારી દુર્ઘટના સર્જાઈ છે. ટાટાના શોરૂૂમ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કાર અને ઇકો ગાડી વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો ગાડીમાં સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ અથવા ટૂંકી સારવાર દરમિયાન કરૂૂણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે. આ કમનસીબ પરિવાર ગોંડલ ખાતે એક લૌકિક પ્રસંગ (મરણના અવસર) માં હાજરી આપીને પરત ફરી રહ્યો હતો ત્યારે માર્ગમાં જ કાળનો પંજો ફરી વળ્યો હતો. મૃતકોની ઓળખ થાનગઢના રહેવાસી 70 વર્ષીય રામજી નરશીભાઈ પાટડીયા અને 60 વર્ષીય મગનભાઈ નરશીભાઈ પાટડીયા તરીકે થઈ છે. પરિવારના મોભી સમાન બે વૃદ્ધોના મોતના સમાચારથી થાનગઢ અને તેમના સ્નેહીજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક મગનભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે, જેમણે પિતાની છત્રછાયા ગુમાવી છે.

આ અકસ્માતમાં ઇકો ગાડીમાં સવાર અન્ય પાંચ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોમાં રાજકોટ કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારના સાહિલ યાકુબ કુરેશી, થાનગઢના હંસાબેન મગનભાઈ, મહેબૂબભાઈ અંસારી તેમજ રાજકોટના રણછોડનગરમાં રહેતા સરસ્વતીબેન જાગાની અને ઉષાબેન પાટડીયાનો સમાવેશ થાય છે. આ તમામ ઇજાગ્રસ્તો અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના બિછાને સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક જ પરિવારના સભ્યો સાથે બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી મચાવી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *