જૂનાગઢના એક અત્યંત લોકપ્રિય અને આશાસ્પદ યુવા અશ્વપાલક કરણ પરમારનું લગ્નના વરઘોડાની તૈયારી દરમિયાન હૃદયદ્રાવક મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. આ કરુણ ઘટના બની જ્યારે યુવાન વરરાજાના ફુલેકા માટે પોતાની ઘોડીને તૈયાર કરી રહ્યો હતો. ઘોડી નચાવતી વખતે તે અચાનક ઢળી પડ્યો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે તેનું બ્રેન સ્ટ્રોકથી મોત જાહેર કર્યું હતું.
હસતા-રમતા અને કાર્યરત યુવાનના અચાનક નિધનથી પરિવાર સહિત સમગ્ર અશ્વપાલક આલમમાં ગમગીની વ્યાપી ગઈ છે. એકના એક દીકરાના મૃત્યુથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે. જૂનાગઢ શહેર અને પંથકમાં પશુપ્રેમીઓ અને ખાસ કરીને અશ્વપાલકોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. કરણ પરમાર નામનો યુવાન વરરાજાને બેસાડવા માટે ઘોડીને તૈયાર કરી રહ્યો હતો અને ફુલેકાની તૈયારીઓમાં વ્યસ્ત હતો. વીડિયોમાં જોઈ શકાય છે તે મુજબ, કરણ પોતાની પ્રિય ઘોડીને દોરીને નચાવતો હતો ત્યારે જ તેને અચાનક બ્રેન સ્ટ્રોક આવ્યો હતો.
ગણતરીની સેક્ધડોમાં જ તે અચાનક જમીન પર ઢળી પડ્યો હતો. આ દ્રશ્ય જોઈ આસપાસના લોકો તરત જ તેની મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ વિલંબ કર્યા વિના તેને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો, પરંતુ કમનસીબે સારવાર મળે તે પહેલા જ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
મૃતક યુવકના બનેવી પુજાભાઈ ગોઢાણીયાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા કહ્યું, લગ્નમાં અમે બંને ઘોડી લઈને ગયા હતા, ત્યાં કરણ પણ ઘોડી રમાડતો હતો અને હું પણ બીજી ઘોડી રમાડતો હતો, તે જ સમયે અચાનક કરણ ધડી પડ્યો હતો અને જેને સારવારમાં લઈ ગયા હતાં. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તેને વધુમા કહ્યું કે, મૃતક યુવક કરણ મારો સાળો હતા. કરણને અશ્વોથી ખૂબ જ પ્રેમ હતો અને એ શોખીન જીવડો હતો. કરણ તેના પરિવાર સાથે રહેતો હતો અને એક વર્ષની દીકરી છે. બે બહેનો અને માતા સાથે રહેતા કરણના પરિવાર પર હાલ જાણે કે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ છે.
