ઉપલેટાના ઢાંક ગામે ધોળે દિવસે છેતરપિંડીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગ્રાહક બનીને સોની વેપારીની દુકાને આવેલી ત્રણ અજાણી મહિલાઓએ વેપારીની નજર ચૂકવી દુકાનમાંથી અસલ સોનાની બે વીંટીઓના બદલે નકલી ધાતુની વીંટીઓ મૂકી દઈ રૂૂ. 70,000ની મતાની વીંટી ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ઘટનાની મળતી વિગત મુજબ ઉપલેટામાં રહેતા અને ઢાંક ગામના નવાપરા મેઈન રોડ પર ‘વારાહી જ્વેલર્સ’ નામે સોનીકામની દુકાન ચલાવતા તુષારભાઈ મનસુખભાઈ કુલરે આ અંગે ભાયાવદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તારીખ 28 એપ્રિલ, 2026ના રોજ સવારે આશરે 10:30 વાગ્યે જ્યારે તેઓ અને તેમના ભાઈ પ્રશાંતભાઈ દુકાને હાજર હતા, ત્યારે ત્રણ અજાણી મહિલાઓ દુકાને આવી હતી. આ મહિલાઓએ પોતાની ઓળખ ચરેલીયા ગામની રહેવાસી તરીકે આપી હતી અને સોનાની વીંટી તેમજ બુટ્ટી ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
સોની વેપારીએ વિશ્વાસ રાખીને મહિલાઓને વીંટી અને બુટ્ટીના બોક્સ જોવા માટે આપ્યા હતા. તે દરમિયાન એક મહિલાએ વેપારીને મોબાઈલમાં ફોટા બતાવવામાં અને બીજીએ વજન કરાવવામાં રોકી રાખી નજર ચૂકવી હતી. આ સમયગાળા દરમિયાન મહિલાઓએ બોક્સમાંથી અસલ સોનાની બે વીંટીઓ (કુલ વજન 4.950 ગ્રામ, કિંમત રૂૂ. 70,000) કાઢી લીધી હતી અને તેના બદલે ખોટી ધાતુની બે વીંટીઓ બોક્સમાં મૂકી દીધી હતી.
ત્યારબાદ થોડીવારમાં આવીને વીંટી લઈ જઈશું તેમ કહી ત્રણેય મહિલાઓ ત્યાંથી નીકળી ગઈ હતી.
મહિલાઓના ગયા બાદ જ્યારે બોક્સ ચેક કરવામાં આવ્યું ત્યારે તેમાં નકલી વીંટીઓ હોવાનું માલૂમ પડ્યું હતું. વેપારીએ તાત્કાલિક આજુબાજુ તપાસ કરી અને દુકાનના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા. ફૂટેજ લઈ જ્યારે તેઓ ચરેલીયા ગામે તપાસ કરવા ગયા ત્યારે જાણવા મળ્યું કે આવી કોઈ મહિલાઓ ત્યાં રહેતી નથી, એટલે કે મહિલાઓએ પોતાની ખોટી ઓળખ આપી હતી.
આ મામલે તુષારભાઈએ ભાયાવદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હાલ સીસીટીવી ફૂટેજના આધારે આ મહિલા ટોળકીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
