માંગરોળમાં કોસ્ટલ હાઇવે પર અકસ્માતમાં દીપડાનું મોત

જૂનાગઢના માંગરોળ પંથકમાં વન્ય પ્રાણીઓના વિચરણની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે ગઈકાલે રાત્રે એક કરુણ અકસ્માત થયો હતો. લોએજ ગામ પાસે કોસ્ટલ હાઇવે પર…

જૂનાગઢના માંગરોળ પંથકમાં વન્ય પ્રાણીઓના વિચરણની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે ગઈકાલે રાત્રે એક કરુણ અકસ્માત થયો હતો. લોએજ ગામ પાસે કોસ્ટલ હાઇવે પર રાત્રિના સમયે રસ્તો ઓળંગી રહેલા દીપડાને અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી હતી.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓના કારણે દીપડાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હાઇવે પર દીપડાનું શબ પડ્યું હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતા આસપાસના લોકોના મોટા ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા જેના કારણે થોડા સમય માટે હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

ઘટનાની જાણ થતા જ માંગરોળ પોલીસ અને વન વિભાગનો કાફલો તાત્કાલિક લોએજ પાસેના અકસ્માત સ્થળે દોડી ગયો હતો. વન વિભાગના અધિકારીઓએ પ્રાથમિક તપાસ હાથ ધરી દીપડાના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલકને શોધવા માટે પણ વન વિભાગે આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂૂ કરી છે. ઉલ્લેખનીય છે કે માંગરોળ પંથકમાં છેલ્લા ઘણા સમયથી દીપડા અને સિંહ જેવા હિંસક વન્ય પ્રાણીઓની અવરજવરના વીડિયો સોશિયલ મીડિયામાં વારંવાર વાયરલ થતા રહે છે. થોડા દિવસો પહેલા જ આ પંથકના એક નાળિયેરીના બગીચામાં દીપડો આરામ કરતો હોય તેવો વીડિયો પણ સામે આવ્યો હતો.

જેણે વન વિભાગની ચિંતામાં વધારો કર્યો હતો. માંગરોળ પંથક નાળિયેરી અને આંબાના બગીચાઓથી ભરપૂર હોવાથી વન્ય પ્રાણીઓને અહીં રહેઠાણ અને ખોરાક માટે અનુકૂળ વપરંતુ હાઇવે પર વાહનોની વધતી ગતિ વન્ય જીવો માટે જીવલેણ સાબિત થઈ રહી છે.ગત રાત્રિની આ ઘટના બાદ સ્થાનિકોમાં વન્ય પ્રાણીઓના વસવાટને લઈને ફરી એકવાર ચિંતાની લહેર જોવા મળી રહી છે.હાલમાં આ અકસ્માતને પગલે સમગ્ર માંગરોળ પંથકમાં ભારે ચકચાર જાગી છે અને વન વિભાગે દીપડાના મોતના કારણો અને વાહન ચાલકની ઓળખ કરવા માટે કાયદેસરની તપાસ તેજ બનાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *