જૂનાગઢ વનવિભાગના કર્મીના ભાઇ સહિતનાએ કરી સિંહની પજવણી, સરપંચે રંગેહાથ પકડ્યા

જૂનાગઢ નજીક આવેલા તોરણીયા ગામના જંગલ વિસ્તારમાં વન વિભાગના જ કર્મચારીઓના સગાઓ દ્વારા ગેરકાયદે સિંહો દર્શન કરી સિંહોની પજવણી કરતા હોવાનો આક્ષેપ થયો છે. તોરણીયા…

જૂનાગઢ નજીક આવેલા તોરણીયા ગામના જંગલ વિસ્તારમાં વન વિભાગના જ કર્મચારીઓના સગાઓ દ્વારા ગેરકાયદે સિંહો દર્શન કરી સિંહોની પજવણી કરતા હોવાનો આક્ષેપ થયો છે. તોરણીયા ગામના જાગૃત સરપંચ રેનીસ પટેલ સહિતના ગ્રામજનોએ મધરાતે દરોડો પાડીને વન વિભાગના એક ફોરેસ્ટરના ભાઈ અને તેના મિત્રોને હાથમાં લાકડી અને ટોર્ચ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે, જેઓ જંગલમાં બેઠેલા સિંહ પર ટોર્ચનો પ્રકાશ ફેંકી રહ્યા હતા.

સરપંચે જ્યારે આ શખસોને પકડવામાં આવ્યા, ત્યારે પકડાયેલ વ્યક્તિએ પોતે સિંહ જોવા આવ્યો હોવાનું કબૂલ્યું હતું. નવાઈની વાત તો એ છે કે, આ શખ્સો એટલા બેખોફ હતા કે તેમણે સરપંચને પણ ત્યાં જંગલમાં હાજર સિંહ જોવા આવવા માટે આમંત્રણ આપ્યું હતું.

આ મામલે અમે વન વિભાગના અધિકારી અક્ષય જોશી સાથે વાત કરવાનો વારંવાર પ્રયત્ન કર્યો પણ તેમણે કોલ રિસિવ ન કરી મૌન રહેવાનું પસંદ કર્યું. ત્યારે વન વિભાગની મેલી નીતિ સામે સવાલો ઊભા થયા છે. આ વીડિયો હવે વન વિભાગની કાર્યપ્રણાલી સામે અનેક સવાલો ઉભા કરી રહ્યો છે.

આ મામલે તોરણીયા ગામના સરપંચ રેનીસ પટેલે કહ્યું કે, 26 એપ્રિલની રાત્રે જ્યારે તેઓ ગામમાં બેઠા હતા, ત્યારે તેમને બાતમી મળી હતી કે કેટલાક લોકો જંગલમાં સિંહની પજવણી કરી રહ્યા છે. આ માહિતી મળતા જ સરપંચ અને ગામના અન્ય 15થી 20 લોકો તાત્કાલિક જંગલ વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે જોયું કે, વન વિભાગમાં જ નોકરી કરતો જયેશ પરમારનો ભાઈ હાથમાં લાકડી અને ટોર્ચ લઈને સિંહની પજવણી કરી રહ્યો હતો. ગામ લોકોએ આ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા અને આ આખી ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો હતો.

સરપંચે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, આ વિસ્તારમાં વન વિભાગના જ કેટલાક કર્મચારીઓ અને ફોરેસ્ટરો ગેરકાયદેસર પ્રવાસીઓ પાસેથી ₹5,000થી લઈને ₹25,000 સુધીની મોટી રકમ પડાવી ગેરકાયદે સિંહ દર્શન કરવા છે. રેનીસ પટેલે આ બાબતે અગાઉ આરએફઓ અને બીટના ફોરેસ્ટર કરમટાને પણ જાણ કરી હતી, પરંતુ વન વિભાગના અધિકારીઓ કહે છે કે, પુરાવા લઈને આવો, જેને લઇ આ વખતે સિંહની પજવણી થતી હોવાના અને ગેરકાયદેસર રીતે સિંહ દર્શન થતા હોવાના મેં પુરાવા આપ્યા છે.

રેનીસ પટેલે વન વિભાગની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, સામાન્ય નાગરિકો જો કોઈ નાની ભૂલ કરે તો વન વિભાગ તેમને લાખો રૂૂપિયાનો દંડ ફટકારે છે, પરંતુ જ્યારે ખુદ વન વિભાગના કર્મચારીઓ જ સિંહની પજવણી કરતા ઝડપાય ત્યારે તેમની સામે કાયદો કેમ કડક નથી હોતો? તેમણે ઉચ્ચ અધિકારીઓને અપીલ કરી છે કે, સિંહોના રક્ષણ માટે જવાબદાર લોકો જ આવી પ્રવૃત્તિમાં સામેલ હોય, તો તેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *