વોર્ડ નં.1,5 અને 10માં વિજય વાવટો, બાકી બેઠકોમાં આગેકૂચ
મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી માટે થયેલ મતદાનની આજે મતગણતરી કરવામાં આવી રહી છે અને સવારે 9:00 વાગ્યાથી પોસ્ટલ બેલેટ ની ગણતરી શરૂૂ કરવામાં આવી હતી ત્યારબાદ ઇવીએમ મશીનના આંકડા એક પછી એક ઇવીએમ મશીન ખોલીને જાહેર કરવામાં આવી રહ્યા છે દરમિયાન હાલમાં જુદા જુદા ત્રણ સ્થળ ઉપર મોરબી મહાનગરપાલિકાના 13 વોર્ડ માટેની મત ગણતરીની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં પ્રથમ વોર્ડ નંબર 1, 5 અને 10 ની ગણતરી શરૂૂ કરવામાં આવી છે જેમાં વોર્ડ નંબર 1, 5 અને 10માં ભાજપની પેનલનો વિજય થયો હોવાની માહિતી અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.
મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત, ત્રણ નગરપાલિકા અને મોરબી મહાનગરપાલિકા ની મતગણતરી હાલમાં જુદી જુદી જગ્યા ઉપર કરવામાં આવી રહી છે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પોલિટેકનિક કોલેજ ખાતે મોરબી મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતની મોરબી તાલુકાની બેઠકો તથા મોરબી તાલુકા પંચાયતની બેઠકો માટેની મત ગણતરી કરવામાં આવી રહી છે અને પોસ્ટલ બેલેટ બાદ એક પછી એક ઇવીએમ મશીન ખોલીને તેમાંથી મતોના આંકડા જાહેર કરવામાં આવી રહ્યા છે.
મોરબીના વોર્ડ નંબર 1 ની અંદર ભાજપના વીણાબેન માવજીભાઈ કણજારીયા રમાબેન પરેશભાઈ રૂૂપાલા જેન્તીભાઈ દામજીભાઈ પડસુંબીયા અને જયદીપભાઇ પ્રસાદભાઈ મહેતાનો વિજય થયો છે. જ્યારે વોર્ડ નં 10 માં અલ્પાબેન રોહિતભાઈ કંઝારિયા, ભાવેશભાઈ અરજણ કંઝારિયા, ગણેશભાઈ નાનજીભાઈ ડાભી અને સોનલબેન પ્રફુલભાઈ બાવરવા વિજેતા બન્યા છે જ્યારે વોર્ડ માં 5 માં ભગીરથભાઈ મનસુખભાઈ બરાસરા, મંજુલાબેન ગુણવંતભાઈ ચૌહાણ, મેઘરાજસિંહ મહિપતસિંહ ઝાલા અને મનુબેન રમેશભાઈ શિયાળા નો વિજય થયો છે.
તાલુકા પંચાયતની આમરણ બેઠકમાં ભાજપ, બગથળામાં કોંગ્રેસની જીત
મોરબી તાલુકા પંચાયતની આમરણ બેઠકનું પરિણામ જાહેર થયું છે. આમરણ બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. મોરબી તાલુકા પંચાયતની આમરણ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ત્રિભોવનભાઈ કાસુન્દ્રાનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસ અને આપને હારનો સામનો કરવો પડ્યો છે. મોરબી તાલુકા પંચાયતની આમરણ બેઠક પર ભાજપના રાજેશભાઈ કાસુન્દ્રાને 2245 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના અંબારામભાઈ કાસુન્દ્રાને 2210 અને આપના ઈસ્માઈલભાઈ અબુમિયાને 124 મત મળ્યા છે. આમ ભાજપના રાજેશભાઈને 35 મતે વિજય થયો છે. જ્યારે બગથળા બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ નારણભાઈ બાવરવા વિજયી બન્યા છે. જ્યારે ભાજપ અને આપના ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ બાવરવાને 2362 મત મળ્યા છે. જ્યારે ભાજપના હરેશભાઈ કાંજીયાને 2148 અને આમ આદમી પાર્ટીના ભુદરભાઈ સાણંદિયાને 499 મત મળ્યા છે.
