હેઝલવૂડે 12 રનમાં 4 અને ભુવનેશ્ર્વરકુમારે 5 રનમાં 3 વિકેટ ઝડપી
ભુવનેશ્વરકુમાર અને જોશ હેઝલવૂડે અત્યંત ઘાતક બોલિંગ કરીને તરખાટ મચાવતાં દિલ્હી કેપિટલ્સનો સંપૂર્ણ ધબડકો થયો હતો અને અહીં રમાયેલી આઇપીએલની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે તેનો નવ વિકેટે કારમો પરાજય થયો હતો. આ મેચ સાવ એક તરફી બની ગઈ હતી જેમાં દિલ્હી કેપિટલ્સ પાસે મેચના કોઈ પણ તબક્કે લડત આપવાની પણ તાકાત રહી ન હતી. આ સાથે બેંગલોરે 12 પોઇન્ટ સાથે બીજો ક્રમ હાંસલ કરી લીધો હતો. અરૂૂણ જેટલી (કોટલા) ખાતે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતાં દિલ્હીની ટીમ 16.3 ઓવરમાં માત્ર 75 રન કરી શકી હતી. જેના જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 6.3 ઓવરમાં એક વિકેટે 77 રન કરીને નવ વિકેટે મેચ જીતી લીધી હતી.
દિલ્હીની ઇનિંગ્સનો પ્રારંભ અત્યંત કંગાળ રહ્યો હતો. ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવૂડ વચ્ચે વિકેટો ઝડપવાની હરિફાઈ ચાલતી હોય તેમ તેઓ વિકેટ ખેરવતા રહ્યા હતા. દિલ્હીએ પહેલી ચાર ઓવર સુધીમાં દરેક ઓવરમાં એક કે બે વિકેટ ગુમાવી હતી. અંતે તેણે ચોથી ઓવરના પાંચમા બોલે છઠ્ઠી વિકેટ ગુમાવી ત્યારે ટીમનો સ્કોર હજી આઠ જ રન હતો. આમ આઇપીએલના ઇતિહાસમાં ડબલ ફિગર સુધી પહોંચતા અગાઉ સૌથી વધુ વિકેટ ગુમાવી દેવાનો અનિચ્છનીય રેકોર્ડ દિલ્હી કેપિટલ્સના નામે થઈ ગયો હતો. હેઝલવૂડે 12 રનમાં ચાર અને ભુવનેશ્વર કુમારે પાંચ રનમાં ત્રણ વિકેટ લીધી હતી. દિલ્હી કેપિટલ્સ માટે અભિષેક પોરેલે 33 બોલમાં 30 રનની લડાયક ઇનિંગ્સ રમી હતી જેને કારણે ટીમ 50નો આંક પાર કરી શકી હતી.
ભુવનેશ્વર અને હેઝલવૂડ સિવાયના બેંગલોરના બોલરે પણ કમાલ કરી હતી જેમાં રસિખ સલામ,સૂયાશ શર્મા અને કૃણાલ પંડ્યાએ એક એક વિકેટ ખેરવી હતી. 76 રનના આસાન ટારગેટ સામે બેંગલોરે ઓપનર જેકોબ બેથેલ (20) વિકેટ ગુમાવી હતી જ્યારે વિરાટ કોહલીએ અણનમ 23 અને દેવદત્ત પડિક્કલે 13 બોલમાં અણનમ 34 રન ફટકારીને પાવર પ્લેમાં જ ટીમને સફળતા અપાવી દીધી હતી. અગાઉ જોશ હેઝલવુડ અને ભુવનેશ્વર કુમારે પાવરપ્લેને વિનાશક રમત બનાવી દીધી હતી. ત્રણ-ત્રણ ઓવરના ઘાતક સ્પેલ સાથે આ જોડીએ દિલ્હીની બેટિંગ લાઇન-અપના ટુકડા કરી નાખ્યા હતા.
પાવરપ્લેમાં સૌથી ઓછો સ્કોર દિલ્હીના નામે, શરમજનક રેકોર્ડ
દિલ્હી કેપિટલ્સે IPL ઇતિહાસમાં સૌથી ઓછો પાવરપ્લે સ્કોરનો રેકોર્ડ બનાવ્યો. પ્રથમ છ ઓવરમાં દિલ્હી છ વિકેટ ગુમાવીને માત્ર 13 રન બનાવી શક્યું. અગાઉ, IPL ઇતિહાસમાં સૌથી ઓછો પાવરપ્લે સ્કોર 14 રન હતો. બે વખત, પાવરપ્લેમાં દરેક 14 રનનો સ્કોર નોંધવામાં આવ્યો હતો. 2022 માં, સનરાઇઝર્સ હૈદરાબાદ રાજસ્થાન રોયલ્સ સામે પાવરપ્લેમાં 14/3 રન બનાવ્યા હતા. અગાઉ, 2009 માં, રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે પાવરપ્લેમાં 14/2 રન બનાવ્યા હતા. હવે, દિલ્હી કેપિટલ્સ 13 રન સાથે આ યાદીમાં ટોચના સ્થાને પહોંચી ગયું છે.
