રાજકોટ મનપાના રાજકારણમાં આમ આદમી પાર્ટીનું ખાતુ ખુલે તેવી ધારણા તેજ બની છે. ખાસ કરીને વોર્ડ નં.4માં આપ પાર્ટીના મજબૂત ઉમેદવાર રાહુલ ભૂવા વિજયના શ્રીગણેશ કરાવે તેવી પાર્ટીને આશા છે. જો કે એક આક્ષેપ એવો પણ થયો છે કે, ઓબીસી અનામતના સમીકરણને લઇને આ વોર્ડમાં જે ચાર અપક્ષ ઉમેદવાર ઉભા છે એ ભાજપ પ્રેરિત છે. મત વિભાજન કરવા માટેનો આ રાજકીય ખેલ છે. વોર્ડ નં.4 ઉપરાંત 11 અને 16માં આમઆદમી પાર્ટીએ બેઠક લઇ જવાની આશા વ્યક્ત કરી છે.
ગત 2021માં મનપાની ચૂંટણીમાં પણ વોર્ડ નં.4માંથી આમ આદમી પાર્ટીએ રાહુલ ભૂવાને ટિકિટ આપી હતી. એ વખતે આ વિસ્તારમાં આપ પાર્ટી બીજા નંબરે રહી હતી. કોંગ્રેસને પણ પાછળ રાખી દીધી હતી. હાર પછી પણ રાહુલ ભુવા આ વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી સક્રિય રહેતા પાર્ટીએ ફરી એકવખત તેમના પર વિશ્વાસ રાખીને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. આ પાર્ટીએ આ વખતે વોર્ડ નં.4 ઉપરાંત 11 અને 16માં પણ ખાતુ ખુલે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.
વાત રહી સૌથી વધુ જે વોર્ડમાં આશા છે એ વોર્ડ નં.4ની. અહીં લડાયક ઉમેદવાર રાહુલ ભૂવાએ ભાજપ ઉપર એવો આક્ષેપ કર્યો છે કે, અહીં જે ચાર અપક્ષ ઉમેદવાર ઉભા છે તે પડદા પાછળ ભાજપ પ્રેરિત જ છે. અહીં ઓબીસી સહિતના સમીકરણોને જોતા મત વિભાજન કરવા માટેનો આ હથકંડો છે. આમછતા 4000 આસપાસની લીડથી જીત મળશે તેવો દાવો રાહુલ ભૂવાએ કર્યો છે.
