ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની 393 સંસ્થાઓની ચૂંટણી સંપન્ન: આવતીકાલના પરિણામો અંગે ભારે ઉત્તેજના
ગુજરાતની 15 મહાનગર પાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની સામાન્ય ચુંટણીમાં રાજકીય મહાસંગ્રામમાં ગઇકાલે રવિવારે સામાન્ય ઘટનાઓને બાદ કરતા શાંતિપુર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થયું છે અને આ સાથે મતદારોનો પાવરપ્લે પુરો થયો છે. જયારે આવતીકાલે મંગળવારે પરિણામો બાદ નેતાઓનો દાવ શરૂ થનાર છે. મતદારોએ કોને ફુલડે વધાવ્યા અને કોને રિજેકટ કર્યા તેનું પિકચર કલીયર થનાર હોય, લોકો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.
અસહ્ય ગરમી અને એસઆઇઆરના વિવાદ વચ્ચે પણ 15 મહાનગરપાલિકાઓમાં 46 ટકાથી વધી મતદાન 51 ટકા થતાં પાંચ ટકાનો વધારો થયો છે. જયારે 34 જિલ્લા પંચાયતોમાં 2021માં 66.68 ટકા મતદાન સામે 2026ગાં 61.77 ટકા વોટિંગ થતા પાંચ ટકા જેવો ઘટાડો થયો છે. 84 નગરપાલિકાઓમાં 2021માં 58.82 ટકા સામે આ ચુંટણીમાં આંશિક વધી 59.53 ટકા મતદાન નોંધાયું છે. 260 તાલુકા પંચાયતોમાં 2021માં 66.60 ટકા સામે 2026માં 4 ટકા ઘટીને 62.45 ટકા નોંધાયું છે.
દરેક ચુંટણીની માફક આ ચુંટણીમાં પણ મહીલાઓનું મતદાન પુરૂષોની સાપેક્ષમાં સાત ટકા જેવું ઓછું થયું છે. મહીલા અનામતના કામદાનો જોરશોરથી પ્રચાર થયો પણ મતદાન ઉપર તેની અસર થઇ નથી. એસઆઇઆર બાદ પ્રથમ વખત યોજાયેલી આ ચુંટણીમાં મતદારો હેરાન થયા હતા અને અનેક મતદારોના નામ ગાયબ થઇ ગયા હોવાથી દેકારો મચી ગયો હતો અને અનેક મતદારો મતદાન વગર પરત ફર્યા હતા.
ગુજરાતની 393 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના કુલ 7253 વોર્ડની 9263 બેઠકો માટેના કુલ 25,637 ઉમેદવારો વચ્ચે 26મીના રવિવારે ચૂંટણી જંગ ખેલાયો હતો. સવારના 7 વાગ્યાથી શરુ થયેલું મતદાન સાંજના 6 વાગ્યે પૂરું થયું ત્યાં સુધીના 11 કલાક દરમ્યાનની અસહ્ય ગરમી, પોલીસ જવાનોની ખડેપગે સેવા તથા ચૂંટણી સ્ટાફની અથાગ કામગીરીને અંતે કેટલાક છૂટાછવાયા બનાવો પરંતુ ઇવીએમ ખોટકાયા સહિતની કેટલીક ફરિયાદો વચ્ચે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું.
હવે આવતીકાલે તા.28મીના મંગળવારે મત ગણતરી હાથ ધરાશે. આ ચૂંટણીમાં 15 મહાનગરપાલિકાના 261 વોર્ડની 1101 બેઠકો માટેના 3145 ઉમેદવારો, 84 નગરપાલિકાઓના 656 વોર્ડની 2239 બેઠકો માટેના 5441 ઉમેદવારો, 34 જિલ્લા પંચાયતના 1038 બેઠકો માટે 3059 ઉમેદવારો, 260 તાલુકા પંચાયતોના 4976 બેઠકો માટે 13,871 ઉમેદવારો, 12 નગરપાલિકાની પેટા ચૂંટણીની 9 બેઠકો માટે 21 ઉમેદવારો મળીને આ તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના કુલ 7253 વોર્ડની 9263 બેઠકો માટે ચૂંટણી જંગમાં રહેલા કુલ 25,637 ઉમેદવારોના રાજકીય ભાવિ મતદાન સંપન્ન થતાની સાથે જ ઈલેકટ્રોનિક વોટિંગ મશીનમાં કેદ થઈ ગયા હતા. મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં જે સરેરાશ 49 ટકા વોટિંગ થયું છે. એમાં 52.45 ટકા મતદાન પુરુષો અને 45.07 ટકા મતદાન સ્ત્રીઓએ કર્યું છે.
ગરમીમાં હાર્ટએટેકથી 3 વ્યક્તિનાં મોત
આ વખતની ચૂંટણીમાં આણંદ જિલ્લાના પેટલાદના સાંસેજ ગામમાં મતદાન દરમિયાન કર્મચારી અમિતભાઈ સોલંકીનું મોત થયું છે. બુથ નંબર 1 પર ફરજ બજાવતા આ કર્મચારીનું હાર્ટ એટેકથી મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેઓ સાંસેજ ગ્રામ પંચાયત ખાતે પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા. પાટણમાં મતદાન દરમિયાન એક 65 વર્ષીય વૃદ્ધાનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. બી એમ સ્કૂલના મતદાન કેન્દ્ર પર 65 વર્ષીય કમળાબેન સોલંકી નામના વૃદ્ધાનું મોત નીપજ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીના જામનગર વોર્ડ નંબર-3ના ઉમેદવાર નરેન્દ્ર સિંહ જાડેજાનો પણ હાર્ટ એટેકથી નિધન થયું હતું.
2021ની સરખામણીમાં 2026માં મતદાન વધ્યું
સંસ્થાઓ 2021 2026
મહાનગરપાલિકાઓ 46.10 51.00
નગરપાલિકા 58.82 59.53
જિલ્લા પંચાયતો 66.68 61.77
તાલુકા પંચાયતો 66.60 62.45
