ચાલુ ઉનાળામાં પ્રથમ વખત રાજ્યમાં રાજકોટ અને અમરેલીનું તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચ્યું. રાજ્યમાં અમરેલી 43.3 ડિગ્રી સાથે સૌથી હોટ શહેર ત્યારબાદ રાજકોટ 43.1 ડિગ્રી સાથે સેક્ધડ હોટ સીટી તરીકે નોંધાયુ. ત્યારે અનેકવિધ આગાહીઓ પણ હવામાન વિભાગ તથા ખાનગી આગાહીકારો દ્વારા કરવામાં આવી રહી છે આવતીકાલે મતદાન હોવાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રનું તાપમાન પણ 43 ડિગ્રીને પાર પહોંચે તેવી આગાહી અગાઉ પણ કરવામાં આવી હતી.
ત્યારે બપોરે સુઈ જતાં રાજકોટમાં બપોરે 1 થી 4 મતદાન ધીમુ થવાની ચિંતા છે. ગુજરાતમાં ઉનાળો હવે તેના આકરા મિજાજમાં જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની ઉપર પહોંચી જતા જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જેના કારણે આજે અમરેલી અને રાજકોટમાં તાપમાન 43 ડિગ્રીને પાર કરી જતાં પ્રચંડ ગરમીનો અનુભવ થયો હતો.
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે વાતાવરણ પણ ગરમ થતું હોય તેમ ચાલું ઉનાળાની સિઝનમાં સૌથી વધુ પ્રથમ વખત તાપમાન 43.3 ડિગ્રી સુધી પહોંચી જતાં લોકો વૈશાખ મહિનાની બપોરનાં આકરા તાપમાનથી ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. આજે બપોરનાં ચાલુ ઉનાળાની સિઝનમાં સૌથી વધુ પ્રથમ વખત તાપમાન 43.3 ડિગ્રી સુધી પહોંચી જતાં લોકો કામ વગર ઘર કે ઓફિસ બહાર નીકળવાનું ટાળતાં મુખ્ય બઝાર તથા રસ્તાઓ સુમસામ ભાસતા હતા. આવતીકાલે રવિવારે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે ત્યારે આવા આકરા તાપમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રયાસો કરવા પડશે.
તંત્ર દ્વારા મતદાન મથકો પર પાણી-ઓઆરએસ-મેડિકલ ટીમની વ્યવસ્થા
રાજકોટ શહેર-જિલ્લામાં ચૂુંટણી ટાણે જ 43 ડિગ્રીએ ગરમી ધમધમી રહી હોવાથી વહીવટી તંત્ર દ્વારા મતદાન મથકો ઉપર પાણી અને ઓ.આર.એસ.ની વ્યવસ્થા રાખવામાં આવી છે. જ્યારે અમુક રાજકીય પાર્ટીઓએ પણ પીવાના પાણીની વ્યવસ્થા રાખી છે. આ ઉપરાંત તંત્ર દ્વારા મેડીકલ ટીમો તૈનાત કરવામાં આવી છે. આ સિવાય મતદારોને તડકો લાગે નહીં તે માટે છાંયડાની વ્યવસ્થા કરાઈ છે તો વિકલાંગ મતદારો માટે રેમ્પ પણ ગોઠવવામાં આવી છે.
ગુજરાતમાં 8થી 15 જૂન વચ્ચે ચોમાસુ દેશે દસ્તક
સૌથી પહેલા આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 18થી 25 મે દરમિયાન ચોમાસું પહોંચી શકે છે, જ્યારે કેરળમાં તે 25 મેની આસપાસ પ્રવેશ કરવાની સંભાવના છે. અંબાલાલ પટેલે ગુજરાત માટે મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, 28 એપ્રિલથી મેની શરૂૂઆત વચ્ચે પશ્ચિમી વિક્ષેપના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. પ્રિ-મોન્સૂન પ્રવૃત્તિ શરૂૂ થવાની સાથે પવન અને ગાજવીજ સાથે અચાનક વરસાદી ઝાપટાં પણ પડી શકે છે. અંબાલાલ પટેલના અંદાજ મુજબ, ગુજરાતમાં 8થી 15 જૂન વચ્ચે ચોમાસું પ્રવેશી શકે છે.
