હિટ એન્ટ રન: પુત્રની દુકાને જતા વૃધ્ધનું બાઇક અડફેટે મોત

શહેરમાં વાહન ચાલકો બેકાબ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં કોઠારીયા સોલ્વન્ટ ફાટક…

શહેરમાં વાહન ચાલકો બેકાબ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં કોઠારીયા સોલ્વન્ટ ફાટક પાસે ચાલીને પુત્રની પાનની કેબીને જઈ રહેલા વૃદ્ધને અજાણ્યા બાઇક ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જે હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા વૃદ્ધનું સારવારમાં મોત નિપજતા શ્રમિક પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલ સૌરાષ્ટ્ર કંપનીની ઓરડીમાં રહેતા હરજીભાઈ ભીમજીભાઇ કબર નામના 82 વર્ષના વૃદ્ધ સવારના દસેક વાગ્યાના અરસામા ચાલીને કોઠારીયા સોલવન્ટ ફાટક પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા બાઇક ચાલકે હરજીભાઈ કબરને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી બાઇક ચાલક નાસી છૂટ્યો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ વૃદ્ધે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી વૃદ્ધના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં હરજીભાઈ કબરને સંતાનમાં એક પુત્ર છે અને પોતાના પુત્રની પાનની કેબીને ચાલીને જતા હતા ત્યારે અજાણ્યા બાઈક ચાલકે ઠોકરે ચડાવતા મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી શકે અકસ્માત સર્જી નાસી છૂટેલા બાઈક ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *