આગામી જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણી-2026 અંતર્ગત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે કોટડાસાંગાણી પોલીસ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા દ્વારા આજે કોટડાસાંગાણી વિસ્તારના સંવેદનશીલ મતદાન મથકોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં છે. આજે તારીખ 22/04/2026 ના રોજ પોલીસ વડાએ કોટડાસાંગાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કોટડાસાંગાણી અને રામોદ ગામના અતિસંવેદનશીલ (Sensitive/Vulnerable) મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
આ મુલાકાત દરમિયાન મતદાન મથકો પર સુરક્ષાના સાધનો, પોલીસ બંદોબસ્તનું આયોજન અને સંભવિત પડકારો અંગે સ્થાનિક પોલીસ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પોલીસ વડાએ જણાવ્યું હતું કે, મતદારો નિર્ભય થઈને મતદાન કરી શકે તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે.
આ મુલાકાત દરમિયાન રાજકોટ ગ્રામ્ય પોલીસ વડાની સાથે જી. જે. ઝાલા (નાયબ પોલીસ અધિક્ષક, ગોંડલ વિભાગ), યુ. આર. ડોમોર (પોલીસ ઇન્સ્પેકટર, કોટડાસાંગાણી) તથા સ્થાનિક પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. પોલીસ અધિકારીઓએ ગ્રામજનો સાથે પણ પરામર્શ કરી શાંતિપૂર્ણ રીતે મતદાન કરવા અપીલ કરી હતી.
