જામનગર મહાનગરપાલિકાને વીજશોકથી મૃત્યુ પામેલા યુવકના માતા-પિતાને 21.82 લાખનું વળતર ચૂકવવા હુકમ

6 વર્ષ પહેલા સ્ટ્રીટ લાઇટના લટકતા વાયરને અડી જતાં યુવાનનું મોત નિપજ્યુ’તું જામનગર શહેરમાં મહાનગરપાલિકાની બેદરકારીના કારણે એક નિર્દોષ અને આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો…

6 વર્ષ પહેલા સ્ટ્રીટ લાઇટના લટકતા વાયરને અડી જતાં યુવાનનું મોત નિપજ્યુ’તું

જામનગર શહેરમાં મહાનગરપાલિકાની બેદરકારીના કારણે એક નિર્દોષ અને આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હોવાના એક અત્યંત સંવેદનશીલ કેસમાં જામનગરની અદાલતે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જામનગરની અદાલતે કડક વલણ અપનાવીને જામનગર મહાનગરપાલિકાને આ અકસ્માત માટે જવાબદાર ઠેરવી છે અને મૃતક યુવાન સાગરના વૃદ્ધ અને નિવૃત માતા-પિતાને રૂૂપિયા 21,82,000/- (અંકે રૂૂપિયા એકવીસ લાખ બ્યાસી હજાર પૂરા) નું માતબર વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

આ કેસની વિગતવાર હકીકત મુજબ, વાદીઓ નિતીનભાઈ નેમચંદભાઈ માલદે અને તેમના પત્ની મયુરીબેન નિતીનભાઈ માલદે કે જેઓ હાલ નિવૃત જીવન પસાર કરી રહ્યા છે, તેમનો યુવાન પુત્ર સાગર માલદે તેમના પરિવારનો મુખ્ય આધારસ્તંભ હતો અને આ નિવૃત દંપતી પોતાના પુત્રની આવક પર જ નિર્ભર હતું. ગત તારીખ 03/11/2019 ના રોજ રાત્રીના આશરે 11:30 વાગ્યાના સુમારે સાગર પોતાના મોટા કાકાના કામ અર્થે બહાર જઈને પોતાનું મોટરસાયકલ લઈને ઘરે પરત ફરી રહ્યો હતો.

તેમનું ઘર મુખ્ય માર્ગ પર આવેલું હોવાથી, સાગર મોટરસાયકલ લઈને ફ્લેટના ખુલ્લા ફળિયામાં પ્રવેશી રહ્યો હતો અને મુખ્ય દરવાજા પાસે પોતાનું વાહન પાર્ક કરવા જઈ રહ્યો હતો. આ જ સમયે જાહેર માર્ગ પર આવેલ ઇલેક્ટ્રિક પોલમાંથી પસાર થતો પીજીવીસીએલ કંપનીનો સ્ટ્રીટ લાઈટનો જીવતો વીજ વાયર તૂટીને લટકતી હાલતમાં તેમના ગેટ પાસે પડેલો હતો. અંધારામાં સાગર આ અનક્યોરેડ અને જીવતા વાયરને અડી જતાં તેને ભારે ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો અને તે ત્યાં જ અકસ્માતનો ભોગ બની બેશુદ્ધ થઈને ઢળી પડ્યો હતો. ફ્લેટની નીચે લોકોનો અવાજ સાંભળીને સાગરના માતા-પિતા નીચે દોડી આવ્યા હતા અને પોતાના પુત્રને ગંભીર હાલતમાં જોઈને તાત્કાલિક તેમના ભત્રીજા નીરવ ગિરીશભાઈ માલદેને ફોન કરી બોલાવ્યા હતા.

નીરવભાઈ અને તેમના પિતા ઘટનાસ્થળે દોડી આવ્યા બાદ તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને પ્રતિવાદી પીજીવીસીએલ કંપનીને ફોન કરી જાણ કરી પાવર સપ્લાય બંધ કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સાગરને જી.જી. હોસ્પિટલ જામનગર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. તારીખ 04/11/2019 ના રોજ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવતા સ્પષ્ટ થયું હતું કે સાગરનું મૃત્યુ વીજળીનો કરંટ લાગવાથી જ થયું છે, જેની જાણ નીરવભાઈ દ્વારા તે જ દિવસે જામનગર સીટી “સી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.

મૃતક સાગર વાણિજ્ય પ્રવાહમાં (કોમર્સમાં) ગ્રેજ્યુએટ થયેલો હતો અને બનાવ સમયે તે જેકપ મેટીન્ડ પ્રા.લી. ડીટીએ નામની કંપનીમાં કાયમી ધોરણે નોકરી કરતો હતો. તે માસિક રૂૂપિયા 15,000/- ની આવક ધરાવતો હતો, જેમાંથી તેનું પ્રોવિડન્ડ ફંડ (પીએફ) પણ કપાતું હતું અને તે નિયમિત ઇન્કમટેક્સ રિટર્ન પણ ભરતો હતો. સાગરના આકસ્મિક મૃત્યુ બાદ વાદીઓના પરિવારમાં અન્ય કોઈ આવકનો સ્ત્રોત રહ્યો ન હતો, જોકે સાગરનો બીજો 21 વર્ષનો નાનો ભાઈ મીત હજુ અભ્યાસ કરી રહ્યો છે.

આ ઘટના બાદ ન્યાય મેળવવા માટે પરિવારે જામનગરના પ્રિન્સીપાલ સીનીયર સિવિલ જજની કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. કાનૂની કાર્યવાહી દરમિયાન રજૂઆત કરવામાં આવી હતી કે જાહેર રોડ પર પાવર સપ્લાયની જવાબદારી પ્રતિવાદી નંબર 1 ની છે, પરંતુ જાહેર રોડ પરની અને સ્ટ્રીટ લાઈટના પોલ વગેરેના મેન્ટેનન્સની તમામ જવાબદારી પ્રતિવાદી નંબર 2, એટલે કે જામનગર મહાનગરપાલિકાની છે. જો મહાનગરપાલિકા દ્વારા નિયમિત અને સમયાંતરે તેની યોગ્ય જાળવણી કરવામાં આવી હોત, તો આ જીવતો વાયર તૂટીને રસ્તા પર ન પડત અને આ ગોઝારો અકસ્માત નિવારી શકાયો હોત.

આ બાબતોને ધ્યાનમાં રાખીને અદાલતે પ્રતિવાદી નંબર 2 (જામનગર મહાનગરપાલિકા) ને જવાબદાર ઠેરવી છે. કોર્ટે પોતાના ચુકાદામાં આદેશ આપ્યો છે કે જામનગર મહાનગર પાલિકાએ વાદીઓને રૂૂપિયા 21,82,000/- નું વળતર દાવા તારીખથી તે રકમ વસૂલ થાય ત્યાં સુધી 6% ના વ્યાજ સાથે ચૂકવવાનું રહેશે. એટલું જ નહીં, જો મહાનગરપાલિકા આ હુકમ મુજબની રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય, તો વાદીઓ મહાનગરપાલિકાની સ્થાવર અને જંગમ મિલકતોમાંથી પણ આ રકમ વસૂલવા માટે હક્કદાર રહેશે, અને દાવાનો તમામ ખર્ચ પણ મહાનગરપાલિકાએ જ ભોગવવાનો રહેશે.

આ ન્યાયિક પ્રક્રિયામાં વાદીઓ (માતા-પિતા) તરફથી સીનીયર ધારાશાસ્ત્રી નીતલ એમ. ધ્રુવ, તેમજ એડવોકેટ અશ્વિન એ. મકવાણા, ડેનીશા એન. ધ્રુવ, પુજા એમ. ધ્રુવ, આશિષ પી. ફટાણીયા, ધ્વનિશ એમ. જોશી, અલ્ફાઝ એ. મુંદ્દા, અશ્વિન એ. સોનગરા અને પ્રિતેશ કે. ભટ્ટ વકીલ તરીકે રોકાયેલા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *