જૂનાગઢની ડો.આંબેડકર છાત્રાલયમાં યુવાનનો આપઘાત

મૃતક હોસ્ટેલમાં ગેરકાયદે રહેતો હતો, માનસિક બીમાર હતો: કોઇનો ત્રાસ હતો કે કેમ? જૂનાગઢના રેલવે સ્ટેશન નજીક કેવડાવાડી વિસ્તારમાં આવેલી સરકારી ’ડો. ભીમરાવ આંબેડકર કુમાર…

મૃતક હોસ્ટેલમાં ગેરકાયદે રહેતો હતો, માનસિક બીમાર હતો: કોઇનો ત્રાસ હતો કે કેમ?

જૂનાગઢના રેલવે સ્ટેશન નજીક કેવડાવાડી વિસ્તારમાં આવેલી સરકારી ’ડો. ભીમરાવ આંબેડકર કુમાર છાત્રાલય’માં 26 વર્ષીય જયેશ ભીખુભાઈ સોલંકી નામના યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. મૃતક યુવાન છેલ્લા છાત્રાલયમાં કોઈ પણ સત્તાવાર પ્રવેશ (એડમિશન) વગર ’ગેસ્ટ’ તરીકે રહેતો હતો. આ ઘટનાએ સરકારી હોસ્ટેલોમાં ચાલતા ગેરકાયદેસર વહીવટ અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતાની ગંભીર પોલ ખોલી દીધી છે.

આ ઘટનાએ હોસ્ટેલના વોર્ડન ભીખુ સોલંકીની અગાઉની કબૂલાતને ફરી ચર્ચામાં લાવી દીધી છે. એક વીડિયોમાં વોર્ડને સ્પષ્ટ સ્વીકાર્યું હતું કે, 100 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી આ હોસ્ટેલમાં 25-30 યુવકો વર્ષોથી ગેરકાયદેસર રીતે ’ગેસ્ટ’ બનીને રહે છે.

ગરીબ અને તેજસ્વી વિદ્યાર્થીઓને એડમિશન મળતું નથી, જ્યારે લાગવગ ધરાવતા અને નોકરી-ધંધા કરતા યુવકો અહીં વસવાટ કરે છે. આત્મહત્યા બાદ મીડિયાના સવાલો સામે વોર્ડન મૌન ધારણ કરી ગયા હતા, જે તેમની અને ઉચ્ચ અધિકારીઓની મિલીભગત તરફ આંગળી ચીંધે છે.

આ ઘટનાના માત્ર 16 દિવસ પહેલા જ 4 એપ્રિલ, 2026ના રોજ હર્ષ જાદવ નામના વિદ્યાર્થીએ જિલ્લા કલેક્ટર અને સમાજ કલ્યાણ અધિકારી ચેતન પવારને લેખિતમાં આ ગેરકાયદેસર વહીવટની જાણ કરી હતી. વિદ્યાર્થીએ પુરાવાઓ સાથે રજૂઆત કરી હતી કે, હોસ્ટેલમાં ગેરકાયદે યુવાનો રહે છે. જો તે સમયે તંત્રએ તપાસ કરી હોત અને કાર્યવાહી કરી હોત તો કદાચ આજે એક આશાસ્પદ યુવાનનો જીવ બચી શક્યો હોત. રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થીઓને વોર્ડન અને સિક્યુરિટી દ્વારા અત્યંત અભદ્ર રીતે ધમકાવીને હાંકી કાઢવામાં આવ્યા હતા, જે તંત્રની દાદાગીરી અને ભ્રષ્ટ માનસિકતા દર્શાવે છે.

મૃતક જયેશ સોલંકી ખજઈ સુધીનો અભ્યાસ પૂર્ણ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો હતો. તેના પિતા ભીખાભાઈ સોલંકીના જણાવ્યા મુજબ જયેશ છેલ્લા 9 વર્ષથી આ હોસ્ટેલમાં રહેતો હતો. તે માનસિક રીતે બીમાર હતો અને દવાઓ ચાલુ હતી. અગાઉ પણ તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રશ્ન એ થાય છે કે, ગંભીર માનસિક બીમારી ધરાવતો યુવાન કોઈપણ સત્તાવાર નોંધ વગર સરકારી હોસ્ટેલમાં કેવી રીતે રહી શકે? હોસ્ટેલના સીસીટીવી હોવા છતાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કેમ અધિકારીઓની નજરે ન ચડી?
જ્યારે જૂનાગઢના સમાજ કલ્યાણ અધિકારી ચેતન પવારને પૂછવામાં આવ્યું કે, હોસ્ટેલમાં ગેરકાયદેસર લોકો કેવી રીતે રહે છે ત્યારે તેમણે એવું કહીને હાથ ઊંચા કરી દીધા કે “તે મામલે વોર્ડન જ કહી શકશે, મને ખ્યાલ નથી.” જવાબદાર અધિકારીની આ “મને ખબર નથી” વાળી નીતિએ જ આજે એક ગરીબ પિતાના પુત્રનો ભોગ લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *