શહેરના ચુનારાવાડ નજીક સીતારામ સોસાયટીમાં રહેતા અને બકાલું વેચવાની સાથે છૂટક મજૂરી કરતા રોહિત બાબુભાઈ કલાડીયા (ઉ.વ. 21) નામના યુવાને આજીડેમ ચોકડી પાસે રામવન નજીક આવેલી ખાણમાં પડતું મૂકી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.
ઘટનાની વિગત મુજબ, ગત રાત્રે આશરે 10 વાગ્યાના અરસામાં રોહિત પોતાની બકાલાની રિક્ષા લઈને નીકળ્યો હતો. ત્યારબાદ તેણે પોતાના મિત્રને ફોન કરીને જાણ કરી હતી કે પોતે રામવન પાસેની ખાણમાં કૂદીને આપઘાત કરવા જઈ રહ્યો છે. આ સાંભળી ગભરાયેલો મિત્ર અન્ય બે-ત્રણ મિત્રોને સાથે લઈને તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.
મિત્રોએ દૂરથી રોહિતને ખાણ પાસે ઉભેલો જોતા જ તેને બૂમો પાડી પાછા વળી જવા સમજાવ્યો હતો. એક મિત્રએ તો તેને પકડવા માટે દોટ પણ મૂકી હતી, પરંતુ બધાની નજર સામે જ રોહિતે ખાણમાં છલાંગ લગાવી દીધી હતી. ઊંડા પાણીમાં ડૂબી જવાથી તેનું કરુણ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતા જ આજીડેમ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.જેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.મૃતક રોહિત બે ભાઈ અને બે બહેનોમાં બીજા નંબરનો હતો.તેની સગાઈ ચાર મહિના પહેલા જ હનુમાન મઢી પાસે રહેતી એક યુવતી સાથે થઈ હતી.પ્રાથમિક રીતે એવું માનવામાં આવી રહ્યું છે કે રોહિત છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવમાં હતો, જેના કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું હોઈ શકે છે.યુવાન દીકરાના અકાળે અવસાનથી કલાડીયા પરિવારમાં ભારે શોક અને આક્રંદ જોવા મળી રહ્યો છે. પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.
