જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લીંબુડા ગામે ગઈખાલ અખાત્રીજનાં દિવસે વડીલોએ પરંપરાગત રીતે વરસાદનો વરતારો જોયો હતો જેમાં આ વર્ષે ચોમાસુ ભરપુર વરસે તેવું અનુમાન લગાવાયું હતું.
કાલે અખાત્રીજના દિવસે બપોરે 12 વાગ્યાના ટકોરે જોડીયા તાલુકાના લીંબુડા ગામના વડીલો એકત્ર થઈ પાદરમાં આવેલ ખુલ્લા વાડામાં યુવાનો સાથે પહોંચ્યા હતા. સૂર્ય આકાશે મધ્યમાં પહોંચતા જ વડીલો સળિયા સાથે તૈયાર રહ્યા હતા અને બાદમાં તેનો પડછાયો પડે તેને માપી આગામી વર્ષમાં વરસાદ કેવો રહેશે તેનું અનુમાન લગાવ્યું હતું.
આ વખતે સાત ઈંચ જેટલો પડછાયો પડતા સાત ઈંચ ગુણ્યા સાત એટલે કે 49 ઈંચ જેટલો સિઝન દરમિયાન વર્ષમાં વરસાદ રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. વડીલોની આ પરંપરાગત વરસાદના વરતારાની પરંપરા આજે પણ યથાવત છે અને અખાત્રીજના દિવસે મધ્યાહ્ને આગામી વર્ષનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ વરતારામાં આગામી ચોમાસા દરમિયાન સારો વરસાદ રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતોમાં આશાનો સંચાર થયો છે.
