જાહેરસભામાં હરિભાઈ પટેલે ઈતિહાસનું જ્ઞાન છલકાવતા વિવાદ
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ નેતાઓની જબાન લપસતી જાય છે. અને અમુક નેતાઓ વાણી પરનો સંયમ પણ ગુમાવી રહ્યા છે. પોરબંદરના ભાજપના પૂર્વ સાંસદ પણ ઈલેકશન ફોબિયાનો શિકાર બન્યા હતાં.
ધોરાજી તાલુકાના સુપેડી ખાતે તાલુકા પંચાયતના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલનેહરુને મુસ્લિમ ગણાવ્યા હતા અને સમગ્રનેહરુ-ગાંધી પરિવારના સભ્યોને ખ્રિસ્તી તથા મુસ્લિમ કહ્યા હતા.
ધોરાજી તાલુકાના સુપેડી ખાતે તાલુકા પંચાયતના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત જાહેર સભામાં હરિ પટેલે સંબોધન કર્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે નેહરુ-ગાંધી પરિવારે દેશની જનતાને છેતરી છે. પૂર્વ સાંસદે પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને મુસ્લિમ ગણાવ્યા હતા અને સમગ્ર પરિવારના સભ્યોને ખ્રિસ્તી તથા મુસ્લિમ કહીને સંબોધતા હાજર લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું.
આશ્ચર્યજનક બાબત એ છે કે જ્યારે હરિ પટેલ આ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી રહ્યા હતા, ત્યારે મંચ પર ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ રમેશ ધડુક અને ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા જેવા જવાબદાર નેતાઓ હાજર હતા. જવાબદાર પદો પર બિરાજમાન આ નેતાઓની હાજરીમાં જ ઇતિહાસના તથ્યોને તોડી-મરોડીને પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા હોવા છતાં, કોઈએ તેમને રોકવાનો કે ટોકવાનો પ્રયાસ કર્યો ન હતો.
ચૂંટણીના માહોલમાં ઇતિહાસ અને રાષ્ટ્રીય મહાપુરુષો વિશે કરવામાં આવેલા આવા વિવાદાસ્પદ નિવેદનથી વિપક્ષોને આક્રમક થવાની તક મળી છે. સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં આ નિવેદનની આકરી ટીકા થઈ રહી છે. પૂર્વ સાંસદે નેહરુ-ગાંધી પરિવારની ધાર્મિક ઓળખ બાબતે જે ટિપ્પણી કરી છે, તેનાથી ભાજપની છબીને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિવેદન બાદ ભાજપના આંતરિક વર્તુળોમાં ’ડેમેજ કંટ્રોલ’ કરવાની કવાયત શરૂૂ કરવામાં આવી છે. જોકે, જવાબદાર નેતાઓની હાજરીમાં થયેલા આ બફાટથી પક્ષ માટે બચાવ કરવો મુશ્કેલ બની શકે તેમ છે.
