બીએપીએસ મંચ પર નારી શક્તિનો દબદબો-આયોજનથી પ્રસ્તુતિ સુધી સ્ત્રીઓ આગેવાન
તા. 17/04/2026, શુક્રવારના રોજ માનવ ઉત્કર્ષ મહોત્સવ અંતર્ગત વિરાટ મહિલા દિન નિમિત્તે લક્ષ્મણ રેખા વિષયક વિશેષ કાર્યક્રમ ભવ્યતા અને આધ્યાત્મિકતા સાથે યોજાયો હતો. આ કાર્યક્રમ માત્ર એક સાંસ્કૃતિક પ્રસંગ નહોતો, પરંતુ BAPS સંસ્થાની નારીશક્તિ, સંસ્કાર અને સંગઠન ક્ષમતાનો જીવંત પ્રયોગ બની રહ્યો હતો. સમગ્ર આયોજનની વિશેષતા એ રહી કે શરૂૂઆતથી અંત સુધી દરેક જવાબદારી આયોજન, સંચાલન, પ્રસ્તુતિ, ટેક્નિકલ વ્યવસ્થા અને સ્વાગત સંપૂર્ણપણે બાલિકા, યુવતી અને મહિલાઓ દ્વારા જ સંભાળવામાં આવી, જે નારી આત્મનિર્ભરતાનું પ્રેરણાદાયી દૃશ્ય સર્જતું હતું.
કાર્યક્રમની શરૂૂઆત સાંજે 6:00 વાગ્યે ધૂન સ્વામિનારાયણ નમો નમ: અને ભાવભીની પ્રાર્થના સાથે થઈ, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ત્યારબાદ દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ઉજ્જવળ આરંભ મળ્યો, જે નારીશક્તિના તેજ અને આધ્યાત્મિક ઉજાસનું પ્રતિક બની રહ્યું હતું. શાંતિપાઠ અને મંગલાચરણ જેવી પરંપરાગત રજૂઆતો દ્વારા ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું સુમેળભર્યું પ્રતિબિંબ જોવા મળ્યું.
મહિલા દિનના હેતુ વિષે આપવામાં આવેલી માહિતીમાં સમાજમાં નારીની કેન્દ્રિય ભૂમિકા, પરિવારના સંસ્કાર ઘડતરમાં તેનું મહત્વ અને આધુનિક યુગમાં તેની જવાબદારીઓ અંગે ઊંડાણપૂર્વક પ્રકાશ પાડવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં દરેક પ્રસ્તુતિએ એક જ સંદેશ આપ્યો.. નારી તું નારાયણી માત્ર શબ્દ નથી, પરંતુ જીવનમાં જીવવાનો એક મૂલ્યવાન દ્રષ્ટિકોણ છે.
કાર્યક્રમનો મુખ્ય આકર્ષણ લક્ષ્મણ રેખા સંવાદ રહ્યો, જેમાં બાલિકા થી લઈને મહિલા સુધીના વિવિધ વર્ગોએ પોતાના અનુભવ, વિચાર અને સંસ્કાર આધારિત દૃષ્ટિકોણ રજૂ કર્યા હતા.
આ સંવાદ માત્ર ચર્ચા નહોતો, પરંતુ જીવનને દિશા આપતો સંદેશ બની રહ્યો હતો. લક્ષ્મણ રેખા મર્યાદા નહીં, પરંતુ સુરક્ષા કવચ છે.
આ વિચારને વધુ ઊંડાણથી સમજાવતું પ્રવચન પણ રજૂ થયું, જેમાં આધુનિક યુગમાં સ્ત્રીઓએ પોતાની સુરક્ષા, સ્વાભિમાન અને સંસ્કારોને કેવી રીતે જાળવવા તે અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું.
વિરાટ મહિલા દિન નિમિત્તે આયોજિત આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં સમાજના વિવિધ ક્ષેત્રોમાં આગેવાન અને પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવવંત બનાવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, પુજિત રૂપણી ટ્રસ્ટના ટ્રસ્ટી અંજલીબેન રૂૂપાણી, ગાયત્રી બા વાઘેલા, દેવાંગી મૈયડ , જ્યોતિબેન ટીલવા, અલ્પનાબેન ત્રિવેદી, મુખ્ય વક્તા તરીકે કોમલબેન સાવલિયા , કાર્ડીયોલોજીસ્ટ ડો. નીખીલાબેન પાંચાણી, ગાયનેક ડો. પુજાબેન પાંચાણી, નીશાબેન ઠાકરીયા, નિધિબેન મોડીયા, મોનીકાબેન કાલરીયા, નિધિબેન ઝાલરીયા, રેખાબેન મોઢા તથા રમાબેન માયુકીયા ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ આમંત્રણને સ્વીકારી ઈલાબેન પટેલ, પ્રતિમાબેન પટેલ, જલ્પાબેન શિગાળા, ભાનુબેન ઉદાણી, ઉષાબેન કોરાટ, કાશીબેન મારુ અને અવની બા જાડેજાએ પણ પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી. તમામ મહાનુભાવોનું આગમન કાર્યક્રમ માટે ગૌરવ અને પ્રેરણાનું કારણ બન્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને ગૌરવથી ગુંજી ઉઠ્યું હતું.
