માયાભાઇની પુત્રીના હરીફ ઉમેદવારના પોસ્ટરમાં તોડફોડ

ચાવંડ બેઠક ઉપર કોંગ્રેસના કાર્યાલયના ઉદઘાટન પહેલા ભેદી ઘટના, માયાભાઇ આહીરના જમાઇ સામે આક્ષેપ ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે.…

ચાવંડ બેઠક ઉપર કોંગ્રેસના કાર્યાલયના ઉદઘાટન પહેલા ભેદી ઘટના, માયાભાઇ આહીરના જમાઇ સામે આક્ષેપ

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. અમરેલી જિલ્લાની લાઠી તાલુકાની ચાવંડ બેઠક હાલમાં વિવાદનું કેન્દ્ર બની છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ભાજપના ઉમેદવાર અને લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પરિવારજનો પર ગંભીર આક્ષેપો કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે.

ચાવંડ બેઠક પરથી ભાજપ તરફથી જિલ્લા ભાજપ અગ્રણી જીતુ ડેરના પુત્રવધૂ અને લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરી સોનલબેન ડેર ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસ પક્ષે ઉમેદવાર શાંતુબેન ડેરને મેદાનમાં ઉતાર્યા છે. આક્ષેપ મુજબ, ચાવંડ પોલીસ ચોકીથી માત્ર 50 મીટરના અંતરે આવેલા વિસ્તારમાં રાત્રિના સમયે કોંગ્રેસના ઉમેદવાર શાંતુબેન ડેરના પોસ્ટરો અજાણ્યા શખ્સો દ્વારા ફાડી નાખવામાં આવ્યા હતા. કોંગ્રેસનો આરોપ છે કે શાંતુબેનના કાર્યાલયનું ઉદ્ઘાટન થાય તે પૂર્વે જ આ તોડફોડ કરવામાં આવી છે.

આ ઘટનાને પગલે કોંગ્રેસ પક્ષ દ્વારા પોલીસમાં લેખિત અરજી આપવામાં આવી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ જીતવા માટે સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવી રહ્યું છે અને વિપક્ષના ઉમેદવારોને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં બેઠકો જીતવા માટે બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એક તરફ ભાજપ પોતાના વિકાસના કામો અને જાણીતા ચહેરાઓના સહારે મેદાનમાં છે, તો બીજી તરફ કોંગ્રેસ લોકશાહીના મૂલ્યો અને ’દાદાગીરી’ના મુદ્દા ઉઠાવીને મતદારોને આકર્ષવા પ્રયત્ન કરી રહી છે. ચાવંડ બેઠક પર સર્જાયેલી આ ખેંચતાણ હવે આગામી દિવસોમાં કેવો વળાંક લેશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

માયાભાઇ તમે પણ? જેનીબેન ઠુંમરનો કટાક્ષ
પ્રદેશ કોંગ્રેસ મહિલા નેતા જેની ઠુંમર દ્વારા આ મુદ્દે સોશિયલ મીડિયા પર આક્રમક પોસ્ટ કરવામાં આવી છે. તેમણે સીધો આક્ષેપ કર્યો છે કે માયાભાઈ આહીરના જમાઈએ કોંગ્રેસ પક્ષના ઉમેદવારના પોસ્ટર ફાડી નાખ્યા છે. જેની ઠુંમરે જણાવ્યું કે કોંગ્રેસ પક્ષની ઉમેદવારી ખેંચાવવા માટે ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં સફળતા ન મળતા હવે આ પ્રકારની તોડફોડ કરવામાં આવી રહી છે. માયાભાઈ આપ તો ભારતીય સંસ્કૃતિને આખા વિશ્વમાં ઉજાગર કરો છો, પરંતુ જ્યારે તમારી દીકરી ચૂંટણી લડી રહી હોય ત્યારે આવી ઘટનાઓ તમારી અને તમારા વેવાઈની કથની અને કરણી વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *