સમાજમાં આબરૂ જવાની બીક અને કાયદાકીય કાર્યવાહીના ડરથી પ્રૌઢે અંતિમ પગલું ભર્યું; ત્રણ પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી
રાજકોટના રૈયા ચોકડી પાસે આવેલા ઠક્કરબાપા વાસમાં રહેતા એક 52 વર્ષીય પ્રૌઢે ઘરકંકાસ અને સામાજિક પ્રતિષ્ઠા ખરડાવાના ડરે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. વિગતો મુજબ, રૈયા ચોકડી વિસ્તારમાં રહેતા અને સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા અનિલભાઈ બાબાભાઈ વાઘેલા (ઉં.વ. 52) એ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ તેમનું કરૂૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે વાઘેલા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક સંતાનમાં ત્રણ દીકરા ધરાવતા હતા અને ઘરના મોભીના જવાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
આ આત્મહત્યા પાછળનું મુખ્ય કારણ પ્રેમ સંબંધ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે મૃતક અનિલભાઈને અન્ય એક મહિલા સાથે પ્રેમ સંબંધ હતો, જેની જાણ તેમની પત્નીને થઈ ગઈ હતી. આ બાબતે પત્નીએ રોષે ભરાઈને પતિ વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી. પોલીસ ફરિયાદ અને કાયદાકીય ગૂંચવણોમાં ફસાવવાના ડરની સાથે સાથે સમાજમાં પોતાની આબરૂૂ જશે તેવા ભયથી અનિલભાઈ સતત માનસિક દબાણમાં હતા. આ માનસિક તણાવ સહન ન કરી શકતા તેમણે અંતે મોતને વહાલું કરવાનું નક્કી કર્યું હતું. હાલમાં પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
