ભાવનગરમાં કોંગ્રેસના ઉમેદવારના અપહરણના ગુનામાં કોંગ્રેસ પ્રમુખની અટકાયતનો ડ્રામા

ઉમેદવારે જાહેર કર્યું મારું અપહરણ થયું જ નથી, ત્રણ કલાક પોલીસ સ્ટેશને ધમાલ ભાવનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ’તોડ-જોડ’ની રાજનીતિ અને…

ઉમેદવારે જાહેર કર્યું મારું અપહરણ થયું જ નથી, ત્રણ કલાક પોલીસ સ્ટેશને ધમાલ

ભાવનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ’તોડ-જોડ’ની રાજનીતિ અને સામા પક્ષના ઉમેદવારોને તોડવાના પ્રયાસો વચ્ચે કોંગ્રેસે પોતાના ઉમેદવારોને સુરક્ષિત રાખવા અમરેલીમાં નજરકેદ કર્યા હોવાની ઘટના સામે આવી છે. આ દરમિયાન વડવા-અ ના કોંગ્રેસના ઉમેદવારના ભાઈએ અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલની અટકાયત કરી હતી, જોકે બાદમાં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.

ભાવનગરમાં ભારે ચર્ચા જગાડનાર બનાવ ની વિગતો એવી છે કે ભાવનગર મહાનગરપાલિકા ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પાછા ન ખેંચે તે માટે તેમને શહેરની બહાર મોકલી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન વડવા-અ વોર્ડના કોંગ્રેસ ઉમેદવાર ભરતભાઈ કાંબડના ભાઈ રમેશભાઈ કાંબડે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ અને હરદેવસિંહ વિરુદ્ધ પોતાના ભાઈને ગાયબ કર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદના આધારે પોલીસે લાલભા ગોહિલને શહેર બહારના પોલીસ સ્ટેશને લઈ જઈ તેમની અટકાયત કરી હતી.

બીજી તરફ, જે ઉમેદવારના અપહરણની વાત વહેતી થઈ હતી તે ભરતભાઈ કાંબડે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, “મારું કોઈએ અપહરણ કર્યું નથી. હું મારી રાજીખુશીથી આવ્યો છું. મને ઘણું પ્રેશર હતું એટલે હું નીકળી ગયો છું. પોલીસ કેસ કરાવવા માટે મારા ઘરના સભ્યો પર દબાણ કરવામાં આવ્યું હતું.” આ નિવેદન બાદ મામલો વધુ પેચીદો બન્યો હતો.

આ ઘટના અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપ સત્તાના જોરે લોકશાહીને કલંકિત કરી રહ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે પોલીસ ભાજપના ઈશારે કામ કરી રહી છે અને કોંગ્રેસ પ્રમુખને જે રીતે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા તે અત્યંત નિંદનીય છે. જો આ પ્રકારનું દબાણ ચાલુ રહેશે તો આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી.

ભાજપ દ્વારા સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવી ફોર્મ ખેંચાવવાના પ્રયાસો સામે રક્ષણ મેળવવા કોંગ્રેસે તેના અનેક ઉમેદવારોને અમરેલીમાં રાખ્યા છે. જેમાં કાળિયાબીડ વોર્ડના આર્ચીબેન કુકડિયા, સોનલબેન પટેલ અને કૃતિબેન સંઘવી સહિતના આગેવાનોનો સમાવેશ થાય છે. આ ઘટનાક્રમ બાદ ભાવનગરના રાજકારણમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ છે અને ચૂંટણી પૂર્વે જ બંને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો જંગ તેજ બન્યો છે.

મહાપાલિકાની ચૂંટણીમાં 52 બેઠકો કુલ 150 ઉમેદવારો, ભાજપના 52 કોંગ્રેસના 50 અને આપના 31 માથા મેદાનમાં

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર હવે સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે. કોર્પોરેશનની કુલ 52 બેઠકો માટે યોજાનારી આ ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષોએ પોતપોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. સત્તાધારી પક્ષ ભાજપે તમામ 52 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે, જ્યારે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા 50 ઉમેદવારો અને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા 31 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે. અન્ય અપક્ષો સહિત હવે કુલ 150 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે.

વોર્ડવાર ઉમેદવારોની સંખ્યા પર નજર કરીએ તો, વોર્ડ નંબર 1 (ચિત્રા, ફુલસર, નારી), વોર્ડ નંબર 2 (કુંભારવાડા), વોર્ડ નંબર 3 (વડવા-બ) અને વોર્ડ નંબર 9 (બોરતળાવ) માં સૌથી વધુ 14-14 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે. જ્યારે વોર્ડ નંબર 4 (કરચલીયા પરા) માં 12 અને વોર્ડ નંબર 5 (ઉત્તર કૃષ્ણનગર) માં 10 ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે.

શહેરના અન્ય વિસ્તારોમાં, વોર્ડ નંબર 6 (પીરછલ્લા) અને વોર્ડ નંબર 7 (તખ્તેશ્વર) માં 9-9 ઉમેદવારો છે. વોર્ડ નંબર 8 (વડવા-અ) માં 11, વોર્ડ નંબર 10 (કાળિયાબીડ, સિદસર, અધેવાડા) માં 12 અને વોર્ડ નંબર 11 (દક્ષિણ સરદારનગર, અધેવાડા) માં 13 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત, વોર્ડ નંબર 12 (ઉત્તર સરદારનગર, તરસમીયા) અને વોર્ડ નંબર 13 (ઘોઘાસર્કલ, અકવાડા) માં 9-9 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે. તમામ બેઠકો પર ફોર્મ ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે આ 150 ઉમેદવારો વચ્ચે મનપાની સત્તા મેળવવા માટે સીધો સંઘર્ષ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *