ઓનલાઇન પ્રક્રિયા પહેલા જ દિવસે ખોરંભે પડતા રજિસ્ટ્રેશન કરાવવા બેન્કો પર શ્રધ્ધાળુઓનો ધસારો
બાબા બર્ફાનીના દર્શન કરવાની આતુરતા ભક્તોમાં કેટલી હોય છે, તેનો નજારો મુરાદાબાદમાં જોવા મળ્યો. આ વર્ષે અમરનાથ યાત્રા માટેની નોંધણી પ્રક્રિયા જેવી શરૂૂ થઈ, શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. પરંતુ ટેકનિકલ ખામીઓ અને મર્યાદિત વ્યવસ્થાને કારણે ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક શહેરોની બેન્કો પર વ્યવસ્થા માટે પોલીસ બોલાવવી પડી છે.
આજના ડિજિટલ યુગમાં મોટાભાગના લોકો ઘરે બેઠા ઓનલાઈન નોંધણી કરાવવાનું પસંદ કરે છે. પરંતુ જેવી નોંધણી શરૂૂ થઈ, અમરનાથ યાત્રાની સત્તાવાર વેબસાઈટ ક્રેશ થઈ ગઈ. સાયબર કાફેના સંચાલકોએ જણાવ્યું કે સર્વર ડાઉન હોવાને કારણે ઓનલાઈન ફોર્મ ભરી શકાતા નહોતા. ઓનલાઈન રસ્તો બંધ થતા જ લોકોએ બેંક તરફ દોટ મૂકી.
મુરાદાબાદમાં માત્ર જમ્મુ અને કાશ્મીર બેંકની એક જ શાખાને નોંધણી માટે સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. વેબસાઈટ બંધ હોવાથી તમામ લોકો આ એક જ શાખા પર પહોંચી ગયા. વહેલી સવારથી જ લાંબી કતારો લાગી ગઈ હતી. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે બેંકના સ્ટાફ માટે ભીડને કાબૂમાં લેવી અશક્ય બની ગઈ. અંતે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કોતવાલી, નાગફણી અને ગલશહીદ એમ ત્રણ પોલીસ સ્ટેશનથી પોલીસ કાફલો બોલાવવો પડ્યો હતો.
તમારા મનમાં પ્રશ્ન થાય કે લોકો આટલી ઉતાવળ કેમ કરી રહ્યા છે? તેનું મુખ્ય કારણ ’સ્લોટ’ છે. જે લોકો વહેલી નોંધણી કરાવે છે તેમને યાત્રાના શરૂૂઆતના દિવસોમાં જવાનો મોકો મળે છે. ત્યારે હવામાન પ્રમાણમાં સારું હોય છે અને બાબા બર્ફાનીનું હિમલિંગ પણ પૂર્ણ સ્વરૂૂપે જોવા મળે છે. જો નોંધણી મોડી થાય, તો યાત્રાનો સમય ઓગસ્ટ મહિનામાં આવે છે. તે સમયે વરસાદ અને ગરમીને કારણે પહાડી રસ્તાઓ પર ચઢાણ કરવું મુશ્કેલ બને છે અને બરફ પીગળી જવાથી દર્શનનો લ્હાવો પૂરેપૂરો મળતો નથી.
બેંકમાં નોંધણીનો સમય સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધીનો જ હોવાથી ઘણા લોકોનો વારો આવતો નથી. લોકોની માંગ છે કે કાં તો સમય વધારવામાં આવે અથવા તો નોંધણી માટે વધુ કાઉન્ટર કે અન્ય શાખાઓને પણ મંજૂરી આપવામાં આવે.
બેંક મેનેજર ઇમરાન અને એસપી સિટી કુમાર રણવિજય સિંહે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમણે ખાતરી આપી છે કે નોંધણી પ્રક્રિયા લાંબી ચાલવાની છે, એટલે કોઈએ ગભરાવાની જરૂૂર નથી. પોલીસ તૈનાત કરવાનો ઉદ્દેશ્ય માત્ર વ્યવસ્થા જાળવવાનો અને કોઈ અકસ્માત કે નાસભાગ ન થાય તે જોવાનો છે.
