આંધ્રપ્રદેશમાં બોલેરો ટ્રકની ટક્કરમાં 8 શ્રધ્ધાળુઓના મોત, 12 લોકો ગંભીર

બોલેરોના પતરા તોડી મૃતદેહો કાઢવા પડયા, વહેલી સવારે દુર્ઘટના આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં આજની વહેલી સવાર રક્તરંજીત સાબિત થઈ હતી. મંત્રાલયમ મંડળના ચિલકલડોના ગામ પાસે એક…

બોલેરોના પતરા તોડી મૃતદેહો કાઢવા પડયા, વહેલી સવારે દુર્ઘટના

આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં આજની વહેલી સવાર રક્તરંજીત સાબિત થઈ હતી. મંત્રાલયમ મંડળના ચિલકલડોના ગામ પાસે એક બોલેરો વાહન અને ટ્રક વચ્ચે થયેલી પ્રચંડ ટક્કરમાં કર્ણાટકના 8 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બોલેરો વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર મુસાફરો લોહીલુહાણ હાલતમાં ફસાઈ ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના કુર્નૂલ જિલ્લાના મંત્રાલયમ વિભાગ હેઠળ આવતા ચિલકલડોના ગામ નજીક સર્જાઈ હતી. કર્ણાટકના ચિક્કમગલુરુ પ્રદેશના શ્રદ્ધાળુઓ એક બોલેરો વાહનમાં સવાર થઈને આંધ્રપ્રદેશના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોના દર્શને નીકળ્યા હતા. મંત્રાલયમ તરફ જઈ રહેલી આ બોલેરો સામેથી પૂરપાટ ઝડપે આવતી એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. પ્રાથમિક અંદાજ મુજબ, બોલેરોમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો સવાર હોવાથી અને વહેલી સવારના સમયે ગતિ વધુ હોવાથી આ દુર્ઘટના ઘટી હોવાની શક્યતા છે.

અકસ્માતનો અવાજ એટલો તીવ્ર હતો કે આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ માનવતા દાખવી તુરંત જ બચાવ કામગીરી શરૂૂ કરી અને પોલીસને જાણ કરી હતી. કુર્નૂલ પોલીસનો કાફલો પણ ટૂંક સમયમાં સ્થળ પર પહોંચી ગયો હતો. ગાડીના પતરા ચીરીને ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. કમનસીબે, 8 લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.

આ અકસ્માતમાં અન્ય 10 થી 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્મીગનુરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, ઘણા મુસાફરોને માથા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેમની સ્થિતિ નાજુક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *