લખનઉને 5 વિકેટે હરાવી RCB પોઇન્ટ ટેબલમાં નંબર વન

ઇમ્પેક્ટ પ્લેયર કોહલીને મળી ઓરેન્જ કેપ, કુણાલની આઇપીએલમાં 100મી વિકેટ રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ એ ગઇકાલે અહીં હોમ-ગ્રાઉન્ડ પર લખનઊ સુપર જાયન્ટ્સ ને પાંચ વિકેટે હરાવીને…

ઇમ્પેક્ટ પ્લેયર કોહલીને મળી ઓરેન્જ કેપ, કુણાલની આઇપીએલમાં 100મી વિકેટ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ એ ગઇકાલે અહીં હોમ-ગ્રાઉન્ડ પર લખનઊ સુપર જાયન્ટ્સ ને પાંચ વિકેટે હરાવીને એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સતત પાંચમી જીત મેળવીને 2013ની સાલના (13 વર્ષ જૂના) પોતાના વિક્રમની બરાબરી કરી હતી. એટલું જ નહીં, બેંગ્લૂરુની ટીમ પોઇન્ટ્સ-ટેબલમાં નંબર-વન થઈ ગઈ છે. લખનઊ છેક સાતમા ક્રમે છે. લખનઊએ 20 ઓવરમાં 146 રન કર્યા બાદ બેંગ્લૂરુએ 15.1 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 149 રનના સ્કોર સાથે સતત બીજી જીત હાંસલ કરી હતી.

વિરાટ કોહલી (49 રન, 34 બોલ, એક સિક્સર, છ ફોર) આઇપીએલમાં પહેલી જ વખત ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમ્યો હતો અને એક રન માટે હાફ સેન્ચુરી ચૂકી ગયો હતો. સ્પિનર સુયશ શર્માના સ્થાને કોહલીને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમવા મળ્યું હતું. એટલું જ નહીં, કોહલીએ વધુ એક છગ્ગો માર્યો હોત તો આઇપીએલમાં 300 કે વધુ સિક્સર ફટકારનાર ખેલાડીઓની હરોળમાં આવી ગયો હોત. જોકે તેણે આ વખતે સૌથી વધુ 228 રન બદલ ઑરેન્જ કેપ મેળવી છે. બેંગ્લૂરુએ પાંચ મેચમાં કુલ ચોથી જીત મેળવીને રાજસ્થાનના કબજામાંથી અવ્વલ સ્થાન છીનવી લીધું હતું. રાજસ્થાનની જેમ બેંગ્લૂરુના પણ આઠ પોઇન્ટ છે, પરંતુ રાજસ્થાનના +0.889ના રનરેટ સામે બેંગ્લૂરુનો રનરેટ +1.503 છે.

બેંગ્લૂરુના વિજયમાં કેપ્ટન રજત પાટીદારનું 27 રનનું, વિકેટકીપર જિતેશ શર્માનું 23 રનનું તેમ જ ટિમ ડેવિડ તથા રોમારિયો શેફર્ડનું અણનમ 14-14 રનનું યોગદાન હતું. દેવદત્ત પડિક્કલ ફક્ત 10 રન અને ઓપનર ફિલ સોલ્ટ સાત રન કરી શક્યો હતો. લખનઊ વતી પેસ બોલર્સ પ્રિન્સ યાદવે ત્રણ અને આવેશ ખાને બે વિકેટ લીધી હતી.

એ પહેલાં, બેંગ્લૂરુએ બેટિંગ આપ્યા બાદ લખનઊની ટીમ 20મી ઓવરના છેલ્લા બોલ પર 146 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ અને રજત પાટીદારની ટીમને 147 રનનો સાધારણ લક્ષ્યાંક મળ્યો હતો. આયુષ બદોનીએ 38 રન, મુકુલ ચૌધરીએ 39 રન અને મિચલ માર્શે 40 રન કર્યા હતા. એમાં માર્શની વિકેટ કૃણાલ પંડ્યાએ અને બદોની-મુકુલની વિકેટ રસિખ સલામે લીધી હતી. કાશ્મીરના પેસ બોલર રસિખ સલામે સૌથી વધુ ચાર વિકેટ, ભુવનેશ્વરે ત્રણ વિકેટ તથા કૃણાલે બે વિકેટ લીધી હતી. કૃણાલ આઇપીએલમાં 100મી વિકેટના આંક સુધી પહોંચનાર 11મો ખેલાડી પણ બન્યો હતો.

બેંગ્લૂરુ સામેની મહત્ત્વની મેચમાં લખનઊના કેપ્ટન રિષભ પંતને એલ્બો ગાર્ડ વિનાની ડાબી કોણીમાં બોલ વાગતાં તે રિટાયર હર્ટ થયો હતો. તેનો આ ત્રીજો જ બોલ હતો અને હજી શૂન્ય પર જ હતો. ફાસ્ટ બોલર હેઝલવૂડનો બોલ વાગતાં તેણે પેવિલિયનમાં પાછા જવાનું પસંદ કર્યું હતું. ત્યારે લખનઊનો સ્કોર 1/33 હતો. તેની આ ઈજા પહેલાં માર્કરમ 12 રન બનાવીને વિકેટ ગુમાવી ચૂક્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *