આઇપીએલ મેચ પર સટ્ટો રમતા વેપારી અને ઇમિટેશનના ધંધાર્થીને પકડી પાડયા
શહેરના જામનગર રોડ પર તાલુકા પંચાયત કચેરીના ગેઇટ પાસે જ આઇપીએલ મેચ પર આઇડીનો ક્રિકેટ સટ્ટો રમતા વેપારી અને ઇમીટેશનના ધંધાર્થીને પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાંચે હે.કો. રાહુલ ગોહેલ, દિપક ચૌહાણ, રાજેશ જળુ, પ્રદિપસિંહ જાડેજા સહીતનો સ્ટાફ પેટ્રોલીયમમાં હતો દરમિયાન જામનગર રોડ પર તાલુકા પંચાયત કચેરીના ગેઇટ પાસે બે શખ્સો ઉભા હોય જે બન્ને મોબાઇલમાં આઇડી ઉપર ક્રિકેટ સટ્ટો રમતા હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ઇમીટેશનના ધંધાર્થી હરપાલસિંહ દિલીપસિંહ પરમાર રે.યોગરાજનગર અયોધ્યા ચોક, અને વેપારી વિવેક જીતેન્દ્રભાઇ સીસાંગીયા રહે.સોમનાથ સોસાયટી 3 રૈયા રોડને ઝડપી પાડી તેની પાસે રહેલા મોબાઇલની તલાસી લેતા તેમાં ઓલ પેનલ 777 નામની આઇડી ઉપર આઇપીએલની ચેન્નાઇ અને કલકતા વચ્ચે ચાલતી ટી-20 મેચ પર સટ્ટો રમતા હોવાનો જાણવા મળતા પોલીસે મોબાઇલ કબજે કરી બન્ને આરોપીની ધરપકડ કરી હતી. આ અંગે બન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
