દુનિયાના હાલના મહાન બોલરોના લિસ્ટમાં ટોપ આવતા યોર્કર કિંગ જસપ્રીત બુમરાહ સાથે શું થઈ રહ્યું છે તેવો સવાલ મુંબઈ ઈન્ડિયન્સ ટીમ અને જસપ્રીત બુમરાહના ફેન્સને થઈ રહ્યો છે. “યોર્કર કિંગ” તરીકે જાણીતા બુમરાહને IPL 2026માં સતત ચોથી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો છે. બુમરાહને વિકેટ લેવા માટે સંઘર્ષ કરતા જોઈને લોકોને નવાઈ લાગી રહી છે. બુમરાહને વિકેટ ન મળવાથી મુંબઈની મુશ્કેલીઓ વધી ગઈ છે. વૈભવ સૂર્યવંશી સહિતના ખેલાડીઓ તેના પર હાવી થઈ રહ્યા છે, આમ છતાં બુમરાહ તેના પ્લાન પ્રમાણે જ મેદાનમાં ઉતરે છે પરંતુ વિકેટ ન મળવાના કારણે વિરોધી ટીમ વધારે હાવી થઈ રહી છે.
ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને બેટ્સમેન માટે શાપ માનવામાં આવે છે. તેની સચોટ બોલિંગને કારણે તેને “યોર્કર કિંગ” ઉપનામ મળ્યું છે. જ્યારે પણ બુમરાહ બોલ હાથમાં લે છે, ત્યારે વિકેટ મળવાની ખાતરી હોય છે, પરંતુ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026માં, એવું લાગે છે કે કોઈએ તેમને શાપ આપ્યો છે. જ્યારથી બુમરાહ IPLમાં રમી રહ્યો છે, ત્યારથી તે સતત ચાર મેચમાં વિકેટ વિના રહ્યો હોય તેવું ભાગ્યે જ બન્યું છે. IPL 2026માં, બુમરાહ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે તેની ચોથી મેચ રમ્યો હતો. આ મેચમાં, બુમરાહએ વિકેટ લેવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી નહોતી.
