ગોવિંદભાઇ- નરેન્દ્ર સોલંકી- લાખાભાઇ- વિનુ ધવા- બાબુ મકવાણા- હરિભાઇ ડાંગર- રાજુ બોરિચા- પુત્રોને ‘કમળ’ અપાવી શકયા નહીં, કશ્યપ શુક્લએ વટથી ભાઇનો મેન્ડેટ મેળવ્યો
રાજકોટ આરએમસીની ચુંટણી માટે ગઇકાલથી ઉઠેલો વા-વંટોળ આજે તબક્કાવાર થાળે પડતા ભાજપ-કોંગ્રસેના ઉમેદવારો અંગેનું ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું છે. સાથોસાથ રાજયભરની જિલ્લા પંચાયતોની બેઠકો પરના ઉમેદવારોની પસંદગી માટેનું ધમાસાણ આજે દિવસભર ચાલુ રહ્યું છે. આ વખતે ભાજપ જે વોર્ડમાં રહેતા હોય એવા સ્થાનીકોને જ ટિકિટ આપવાના નિયમનો ઉલ્લાળીયો કરતા આયાતી અનેક ઉમેદવારો સામે રોષ ફેલાયો છે. ઉમેદવાર પસંદગીની પ્રક્રિયાએ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક મોટા ગજાના નેતાઓને પક્ષમાં હવે તેમનું વજન કેટલું છે તેની ખાતરી કરાવતી ઘટનાઓએ પણ આકાર લીધો છે, જેમાં કેટલાક નેતાઓ પોતાના પરિવારવાદ, ભાઇ-ભત્રીજાવાદ અને મિત્રવાદમાં પાવરધા નીવડતા તેમને ધારેલી લોટરી લાગી હતી.
પરંતુ અન્ય બહુસંખ્ય નેતાઓ એવા છે કે જેમના આગ્રહને પક્ષ વશ થયો નથી અને તેઓની ભલામણોને કચરાપેટીમાં ફેંકી દેવામાં આવી હતી. નો-રીપીટ થિયરીનું ભાજપે પોતાના માન્યાતા પ્રમાણે અર્થઘટન કરીને અનેક સિટિંગ કોર્પોરેટરો અને જિલ્લા પંચાયતના સભ્યોની ટિકિટો કાપી નાખી છે. વિરોધપક્ષ તરીકે કોંગ્રેસમાં પણ કેટલીક બેઠકો માટે ઉમેદવારોની હોડ જામેલી જોવા મળી છતાં ભાજપની તુલનામાં કોંગ્રેસે ઝડપથી પરિસ્થિતિ થાળે પાડી હતી.
ભાજપના સાંસદ અને હવે રાજકોટ ભાજપમાં શીર્ષ નેતૃત્વ ધરાવયતા પુરૂષોતમ રૂપાલાએ પોતાના પી.એ. મનીષ ભટ્ટને ટિકિટ અપાવવામાં સફળ રહ્યા છે. જયારે વજુભાઇ વાળાના વારંવારના આગ્રહ છતા તેજસ ભટ્ટીને ટિકિટ આપવાની ભલામણ પક્ષે કાને ધરી નથી.
પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલે પોતાના પુત્ર કિશન પટેલને ટિકિટ અપાવવા માટે ઘણી મહેનત કરી હોવા છતાં તેઓ સફય થયા નથી. ભાજપ નેતા કશ્યપ શુકલે છેલ્લી ઘડીએ શૈલેષ જાનીના હાથમાંથી આંચકીને પોતાના ભાઇ નેહલ શુકલને કોર્પોરેટર તરીકેના ઉમેદવારરૂપે ભાજપની ટિકિટ અપાવી દેતા ચાલુ વિજય વિશ્ર્વાસ સંમેલનમાં સનસનાટી મચી ગઇ હતી.
ધારાસભ્ય ઉદય કાનગડે હેમુ ભરવાડ અને નિલેશ જલુને ટિકિટ અપાવવા ઘણા ધમપછાડા કર્યા તે કારગત નીવડયા ન હતા. કાનગડે વોર્ડ નંબર 4 અને 5માં પોતાની ટીમના કાર્યકરો માટે ‘વકીલાત’ કરી છે પણ તેમનો ગજ વાગ્યો નહીં. પોતાના ભાણેજ અને કાર્યકર જલુ માટેનો તેમનો દુરાગ્રહ પક્ષે ફગાવી દીધો હતો.
ધારાસભ્ય ડો.દર્શિતા શાહ છેલ્લા કેટલાક દિવસથી કાર્યકર ઘનશ્યામ હેરભા માટે ‘સ્માર્ટ લોબિંગ’ કરતા હતા જેમાં તેમને સફળતા મળતા હેરભાને મેન્ડેટ મળી જતાં કશ્યપ શુકલની જેમ ડોકટર દર્શિતા શાહનો વટ જળવાઇ રહ્યો છે.
પૂર્વ પ્રમુખ કમલેશ મિરાણીએ વિક્રમ પુજારા અને પ્રદીપ ડવ માટે સઘન પ્રયાસો કર્યા હતા જેમાં પ્રદીપ ડવ પોતે પોતાના બળે ટિકિટ લઇ ગયા હતા પણ પુજારા અંગેની માગણી પક્ષે અમાન્ય રાખી હતી.
પૂર્વ શાસક પક્ષના નેતા વિનુ ધવાએ તેમના પુત્ર પિયુષ ધવા માટે કરેલા પ્રયાસો પાણીમાં ગયા છે, પક્ષ એને ટિકિટ આપી નથી. પૂર્વ કોર્પોેરેટર બાબુ મકવાણાએ પોતાના પુત્ર અથવા પુત્રવધુ એમ બન્ને માટે ટિકીટની રજુઆત કરી હતી. જેમાંથી એક પણ પક્ષે મંજુર રાખી નથી.
આ વાતાવરણ વચ્ચે પૂર્વ ધારાસભ્ય રમેશ રૂપાપરાની જાદુઇ લાકડી કઇ રીતે કામ કરી ગઇ તે સ્થાનિક નેતાઓ માટે કૌતુકનો વિષય છે. રૂપાપરાએ આટલા કોલાહલ વચ્ચે પોતાના ધારેલા નિશાન પાર પાડીને પૂર્વ હોવા છતાં વર્તમાન જેવો દબદબો ઉભો કર્યો છે. રૂપાપરાના કહેવા પ્રમાણે પક્ષે (1) કેતન પટેલ, (2) પરેશ ઠાકર અને (3) રક્ષિત કલોલાને આસાનીથી મેન્ડેટ આપી ઉમેદવાર બનાવ્યા છે.
ફોર્મ ભરવાની ધમાલ વચ્ચે રાજકોટમાં પૂર્વ કોર્પોરેટર અને ભાજપના બહુ શરૂઆતના વફાદાર નેતા ગણાતા રાજુ બોરીચાએ પોતાના પુત્ર માટે છેલ્લી ઘડી સુધી ધમપછાડા ચાલુ રાખવા છતાં બપોર સુધી તો તેમના દિકરાની ટિકિટ ક્ધફર્મ થઇ ન હતી.
પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલે બે ત્રણ મધ્યમ કદના નેતાઓ- કાર્યકરોને ટિકિટ અપાવવાની હૈયા ધારણા આપી હતી. છેલ્લે તેમણે પોતાના મિત્ર એકમાત્ર બિપીન બેરા માટે પક્ષમાં દ્રઢ આગ્રહ સાથે ટિકિટ આપવા રજુઆતોનો દૌર ચલાવ્યો હતો, પરંતુ પક્ષે તેમની ભલામણ ફગાવી દીધી હતી.
ધારાસભ્ય ડો.દર્શિતા શાહની સફળ સર્જરી, ટિકિટ ફાળવણીમાં હરીફો ચારોખાને ચિત
રાજકોટ મહાનગરપાલિકાતાં સતાધારી પક્ષ ભાજપમાં ટિકિટ ફાળવણીમાં નેતાઓ વચ્ચે જબરી ખેચતાણ વચ્ચે ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહે સફળ રાજકીય સર્જરી કરી નાખી હોવાનું માનવામાં આવે છે અને ગતરાતે ભાજપ કાર્યાલય ખાતે બઘડાટી તેમજ આજે ફોર્મ ભરવા સમયે પણ કાર્યકરોમાં આજ બાબતની ચર્ચા જોવા મળી હતી. ભાજપના ધુરંધરો મનાતા વજુભાઇ વાળા, ગોવિંદભાઇ પટેલ, નરેન્દ્ર સોલંકી, ઉદય કાનગડ સહીતના નેતાઓ પોતાના લોકોને ટિકિટ અપાવવામાં નિષ્ફળ ગયા છે ત્યારે ડો.દર્શિતા શાહ, ઘનશ્યામ હેરભા સહીતના કોર્પોરેશનના ભાવિ હોદેદારોની ટિકિટ લાવવામાં સફળ થયા છે. દર્શિતા શાહે કેટલાક વિરોધીઓને પણ ટિકિટમાંથી કદ પ્રમાણે વેંતરી નાખી નવી બોડી ઉપર પોતાનો કમાન્ડ રહે તેવા ‘સોગઠા’ ગોઠવી લીધાની ભાજપમાં ચર્ચા છે. જો કે પોતાના વફાદારોને ગોઠવવામાં જૈન સમાજની ટિકિટ બેમાંથી ઘટીને એક થઇ ગઇ છે.
પૂર્વ અને વર્તમાન ધારાસભ્યો વચ્ચે મોડીરાત્રે હુંકારે-તુંકારે તડાફડી?
રાજકોટ કોર્પોરેશનમાં ભાજપની ટિકિટના મુદે શહેરના એક વર્તમાન અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે મોડીરાત્રે હુંકારે-તુંકારે તડાફડી બોલી ગયાની ચર્ચા છે. પૂર્વ ધારાસભ્યએ પોતાના પુત્ર માટે ભાજપની ટિકિટ માંગી હતી પરંતુ લિસ્ટમાં તેનું નામ નહીેં આવતા પૂર્વ ધારાસભ્યએ વર્તમાન ધારાસભ્યની મદદ માંગી હતી. પરંતુ વર્તમાન ધારાસભ્યએ વોર્ડમાં બધાને સાચવવા પડે તેવો જવાબ આપતા પૂર્વ ધારાસભ્યએ સંયમ ગુમાવ્યો હતો અને હુંકારે-તુંકારે સટાસટી બોલાવી દીધી હતી. નજરે જોનારા લોકોનું કહેવું છે કે, માજી ધારાસભ્યએ વર્તમાન ધારાસભ્યને ત્યાં સુધી સંભળાવી દીધું હતું કે, મેં સીટ ખાલી કરી ત્યારે તમે ધારાસભ્ય બની શકયા છો. હાલ જયારે મારે જરૂર પડી છે ત્યારે તમે વોર્ડમા બધાને સાચવવાની વાત કરો છો? જો કે બન્ને ધારાસભ્યો સજજન અને સરળ સ્વભાવના હોવા છતાં મામલો અંદરખાને ધુંધવાઇ રહ્યો છે.
