રાજકોટ-અમદાવાદ હાઈવે પર જુની બેડીપરા ચોકી સામે આવેલી દ્વારકાધીશ હોટલ વાળી શેરીમાં એક મકાનમાં ગેરકાયદેસર દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસ હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ નરપતસિંહ જાડેજાએ ઉચ્ચ અધિકારીઓની મંજૂરી મેળવીને દરોડો પાડવાની યોજના બનાવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે હિતેશ ઉર્ફે રાણો અને અમિત ઉર્ફે દાઢી નામની વ્યક્તિઓ પોતાના આર્થિક ફાયદા માટે બહારથી સ્ત્રીઓને બોલાવીને વેશ્યાવૃત્તિનો વ્યવસાય ચલાવતા હતા.
પોલીસે આ રેકેટને પકડવા માટે એક વ્યૂહાત્મક આયોજન કર્યું હતું, જેમાં વિશાલભાઈ નામના રાહદારીને ડમી ગ્રાહક તરીકે તૈયાર કરવામાં આવ્યા હતા.
ડમી ગ્રાહકને 500 રૂૂપિયાની બે ચિહ્નિત નોટો આપીને મકાનમાં મોકલવામાં આવ્યા હતા. ડમી ગ્રાહકે અંદર જઈને સંચાલક સાથે વાતચીત કરી રકમ નક્કી કર્યા બાદ પોલીસને સંકેત આપતા જ પોલીસ કાફલાએ ત્રાટકીને સ્થળ પરથી સંચાલક અક્ષય મથુરભાઈ જમોડને રંગેહાથ ઝડપી લીધો હતો. દરોડા દરમિયાન મકાનના પ્રથમ માળે આવેલા રૂૂમમાંથી સ્ત્રીઓ અને પુરુષો કઢંગી હાલતમાં મળી આવ્યા હતા.
આ દરોડામાં પોલીસે ચાર મુખ્ય આરોપીઓ સામે ગુન્હો નોંધ્યો છે, જેમાં હિતેશ ઉર્ફે રાણો, અમિત ઉર્ફે દાઢી, સંચાલક અક્ષય મથુરભાઈ જમોડ અને ગ્રાહક તરીકે આવેલ રૂૂત્વીકભાઈ આનંદભાઈ વછાણીનો સમાવેશ થાય છે. સ્થળ પરથી પોલીસને પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને ગુજરાતના અન્ય શહેરોમાંથી આવેલી પીડિત મહિલાઓ મળી આવી હતી, જેમને લાલચ આપીને આ ધંધામાં ધકેલવામાં આવી હતી. પોલીસને તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી ડમી ગ્રાહકને આપેલી નોટો સહિત રોકડા 5,800 રૂૂપિયા અને 15,000 રૂૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન મળી કુલ 20,800 રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ સમગ્ર મામલે બી-ડિવિઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ’ધી ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ-1956’ ની કલમ 3, 4 અને 5 હેઠળ ગુન્હો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ. બી. ચૌધરીને આ કેસની તપાસ સોંપવામાં આવી છે. આ ઓપરેશનથી હાઈવે પર ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ પર લગામ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
