શુભમન ગિલ, વોશિંગ્ટન સુંદર અને જોસ બટલરની શાનદાર ફિફ્ટી
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) ની 14મી મેચમાં ગઇકાલે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અત્યાર સુધીની સૌથી રોમાંચક મેચ જોવા મળી. ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો દિલ્હીનો નિર્ણય તેમના પર જ ભારે પડ્યો હતો. પહેલા બેટિંગ કરતા ગુજરાતે શુભમન ગિલ, વોશિંગ્ટન સુંદર અને જોસ બટલરની શાનદાર અડધી સદીઓની મદદથી 210 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો.
જેના જવાબમાં દિલ્હીની ટીમે પૂરી તાકાત લગાવી દીધી હતી, પરંતુ છેલ્લા બોલ સુધી ચાલેલી આ મેચમાં દિલ્હી માત્ર 209 રન જ બનાવી શક્યું અને ગુજરાતે 1 રનથી બાજી મારી લીધી. કેએલ રાહુલ અને ડેવિડ મિલરની તોફાની બેટિંગ પણ દિલ્હીને જીતાડી શકી નહીં.
211 રનના મોટા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમે શરૂૂઆત તો એકદમ શાનદાર કરી હતી. પથુમ નિસાન્કા અને કેએલ રાહુલે મળીને 76 રનની મજબૂત ઓપનિંગ ભાગીદારી નોંધાવી. જોકે, 9મી ઓવરમાં 41 રન બનાવીને નિસાન્કા આઉટ થઈ ગયો. તે પછી પણ કેએલ રાહુલે એક છેડો સાચવી રાખીને ધમાકેદાર ફિફ્ટી ફટકારી હતી. રાહુલ આઉટ થયા બાદ ડેવિડ મિલરે મેદાનમાં આવીને તોફાન મચાવી દીધું હતું. તેણે માત્ર 20 બોલમાં 41 રન ઝૂડી કાઢ્યા હતા, તેમ છતાં તે ટીમને જીતના દરવાજા સુધી પહોંચાડી શક્યો નહીં.
મેચનો અસલી રોમાંચ છેલ્લી 2 ઓવરમાં જોવા મળ્યો. દિલ્હીને જીતવા માટે 12 બોલમાં 36 રનની જરૂૂર હતી. 19મી ઓવર નાખવા આવેલા મોહમ્મદ સિરાજની ઓવરમાં મિલરે 23 રન ફટકારીને મેચ દિલ્હીની તરફેણમાં કરી દીધી. હવે છેલ્લી ઓવરમાં માત્ર 13 રન જોઈતા હતા. આ નિર્ણાયક સમયે પ્રસિદ્ધ કૃષ્ણાએ કમાલની બોલિંગ કરીને મેચ બચાવી લીધી. મેચ એટલી હદે રોમાંચક બની ગઈ કે છેલ્લા બોલ પર દિલ્હીને જીતવા માટે 2 રનની જરૂૂર હતી, પરંતુ કુલદીપ યાદવ રનઆઉટ થઈ ગયો અને ગુજરાતે 1 રનથી ઐતિહાસિક જીત નોંધાવી દીધી.
આ પહેલાં ગુજરાત ટાઇટન્સની બેટિંગની વાત કરીએ તો, તેમની શરૂૂઆત થોડી નબળી રહી હતી. ત્રીજી જ ઓવરમાં મુકેશ કુમારે સાઈ સુદર્શનને 12 રને પેવેલિયન ભેગો કરી દીધો હતો. પરંતુ ત્યારપછી જોસ બટલરે વિસ્ફોટક બેટિંગ શરૂૂ કરી. 8મી ઓવરમાં કુલદીપ યાદવે બટલરને આઉટ કર્યો, ત્યાં સુધીમાં તેણે માત્ર 27 બોલમાં 52 રન ઠોકી દીધા હતા. ત્યારબાદ કેપ્ટન શુભમન ગિલે જવાબદારી પોતાના ખભા પર લીધી અને 10મી ઓવરમાં સ્કોર 100 ને પાર પહોંચાડ્યો. ગિલે 4 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 70 રનની કેપ્ટન ઇનિંગ રમી, જ્યારે વોશિંગ્ટન સુંદરે પણ 55 રનનું મહત્વનું યોગદાન આપ્યું. આ ત્રણેયની ફિફ્ટીના આધારે ગુજરાતે 210 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો જે અંતે નિર્ણાયક સાબિત થયો.
ગિલ GT વતી 2500 રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી
ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનનો 14મો મુકાબલો દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાયો હતો. આ રોમાંચક મેચમાં ગુજરાત ટાઈટન્સનો 1 રનથી વિજય થયો હતો. આ મેચમાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે દિલ્હી સામે 70 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે એવી ઉપલબ્ધિ મેળવી હતી કે ગુજરાત ટાઈટન્સ તરફથી રમતા અન્ય કોઈ ખેલાડી આમ કરી શક્યો નથી. ગુજરાત ટાઈટન્સની ટીમના કેપ્ટન શુભમન ગિલે 2022ની આઈપીએલ સીઝનમાં આ ફ્રેન્ચાઈઝી તરફથી રમવાનું શરૂૂ કર્યું હતું. તે અત્યાર સુધીમાં 62 મેચ રમી ચુક્યો છે. જેમાં 46.50ની સરેરાશથી 2558 રન બનાવ્યા છે. તેના બેટમાંથી 4 સદી અને 17 અડધી સદી નીકળી છે. ગુજરાત ટાઈટન્સ તરફથી આઈપીએલમાં રમતો કોઈ ખેલાજી આ સિદ્ધિ મેળવી શક્યો નથી. ગિલે આઈપીએલ ડેબ્યૂ કેકેઆર તરફથી રમતા કર્યું હતું.જે બાદ તે 120 મેચમાં 3975 રન બનાવી ચુક્યો છે. આ ઉપરાંત શુભમન ગિલ સૌથી ઓછી ઈનિંગમાં 500 બાઉન્ડ્રી મારવાના મામલે પાંચમો સૌથી ઝડપી ખેલાડી બન્યો હતો. આ રેકોર્ડ ગેલના નામે છે, તેણે માત્ર 87 ઈનિંગમાં આ આંકડો પૂરો કર્યો હતો. ગિલે 120 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે 382 ચોગ્ગા અને 124 છગ્ગા માર્યા છે.
ક્રિસ ગેલ: 87 ઈનિંગ
જોસ બટલર: 101 ઈનિંગ
ડેવિડ વોર્નર: 105 ઈનિંગ
કેએલ રાહુલ: 105 ઈનિંગ
શુભમન ગિલ: 117 ઈનિંગ
