અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામ બાદ પણ તણાવ ચાલુ છે .લેબનોન પર ઈઝરાયલના ઘાતક હુમલા બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલ્યાના થોડા જ કલાકોમાં તેને ફરી બંધ કરવાની જાહેરાત કરી દીધી. આ દરમિયાન ભારતમાં ઈઝરાયલના રાજદૂત રુવેન અઝારે મધ્યસ્થી તરીકે પાકિસ્તાનની ભૂમિકા અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે.
ઈઝરાયલના રાજદૂત રુવેન અઝારે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધવિરામ વાટાઘાટોમાં મધ્યસ્થી તરીકે પાકિસ્તાનની ભૂમિકા અંગે શંકા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે ઈઝરાયલ ઈસ્લામાબાદને “વિશ્વસનીય પક્ષ” તરીકે જોતું નથી. નોંધનીય છે કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી, પાકિસ્તાન ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યું છે, બંને પક્ષો વચ્ચે સંદેશા પહોંચાડી રહ્યું છે.
રુવેન અઝારે ટિપ્પણી કરી, “અમે પાકિસ્તાનને વિશ્વસનીય પક્ષ તરીકે જોતા નથી. મારું માનવું છે કે યુનાઇટેડ સ્ટેટ્સે તેના પોતાના ચોક્કસ કારણોસર પાકિસ્તાનની મધ્યસ્થીનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. અમે ભૂતકાળમાં જોયું છે કે યુનાઇટેડ સ્ટેટ્સે હમાસ સાથે કરાર કરવા માટે સમસ્યારૂપ દેશો – જેમ કે કતાર અને તુર્કી – નો ઉપયોગ કર્યો છે. અમે જ ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરવા માટે અમારે યુએસ સાથે ગાઢ સંકલન જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.”
બુધવારે (8 એપ્રિલ), પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફે જણાવ્યું હતું કે ઇસ્લામાબાદ હવે પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે “વિશ્વસનીય” મધ્યસ્થી તરીકે ઓળખ મેળવી રહ્યું છે. પાકિસ્તાનની મધ્યસ્થી દ્વારા અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના શરતી યુદ્ધવિરામ કરાર થયાના થોડા કલાકો પછ ઇસ્લામાબાદમાં પત્રકારો સાથે વાત કરતી વખતે આસિફે આ ટિપ્પણી કરી હતી. તેમણે જાહેર કર્યું, “આ [યુદ્ધવિરામ] અમારા સમગ્ર નેતૃત્વ માટે સફળતા છે. અમે આ માટે અલ્લાહના આભારી છીએ.”
આસિફે વધુમાં ઉમેર્યું કે, યુએસ અને ઈરાન વચ્ચે શાંતિ કરાર બાદ, પાકિસ્તાન એક નવા યુગમાં પ્રવેશ્યું છે. “તેમણે કહ્યું, ‘સ્થિરતા અને શાંતિ સ્થાપિત થશે.’ આસિફે જણાવ્યું હતું કે પાકિસ્તાન હવે પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે ‘વિશ્વસનીય’ મધ્યસ્થી તરીકે ઓળખ મેળવી રહ્યું છે. તેમણે ઉમેર્યું, ‘આરબ રાષ્ટ્રો – અને આપણા પડોશી ભાઈ ઈરાને પાકિસ્તાનમાં વિશ્વાસ દર્શાવ્યો છે, અને યુનાઇટેડ સ્ટેટ્સ પણ આપણી તરફ જોઈ રહ્યું છે.'”
