ઈરાન યુદ્ધને કારણે સમગ્ર દેશમાં LPG ની અછત ઉભી થઈ છે. રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં ગેસ પુરવઠાના વિકલ્પ તરીકે કેરોસીનનું વિતરણ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે ગુજરાત રાજ્યમાં કેરોસીન ફાળવણી અને વિતરણ અંગેની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારની સૂચનાનુસાર રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં LPG ઉપરાંત કેરોસીનના વિતરણની વધારાની વ્યવસ્થા કેરોસીન ડીલર એસોસિએશન તથા ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે ગોઠવવામાં આવેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યને કુલ 1452 KL કેરોસીન ફાળવવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં 36 KL કેરોસીનની ફાળવણી કરવામાં આવી છે.
આ કેરોસીનનું વિતરણ ગ્રામીણ વિસ્તારોમાં કરવામાં આવશે જેમાં પરિવાર દીઠ 5 લિટર તથા સંસ્થાઓ દીઠ 25 લિટર વિતરણ કરવામાં આવશે. જે પૈકી મોટા પરિવારો તથા મોટી સંસ્થાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. આ કેરોસીનનો ઉપયોગ ફક્ત રાંધવા માટે તેમજ પ્રકાશની વ્યવસ્થા કરવા માટે કરી શકાશે. કેરોસીન ફાળવણી માટેની અરજીઓ સ્વીકારવા માટે ગઈંઈ દ્વારા ખાસ ઓનલાઈન પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે.
જે ગત સોમવારથી ચાલુમાં છે જેનું URL: https://ipds.gujarat.gov.in/ છે. જિલ્લા સ્તરે ઓછામાં ઓછા 12000 લિટર કેરોસીનની (1 ટેન્કર લોડ) ઓનલાઈન માંગણી મળેથી તાત્કાલિક કેરોસીનનું વિતરણ દરેક તાલુકાના એક પેટ્રોલ પંપ પરથી કરવામાં આવશે. ટ્રાન્સપોર્ટ તથા બીજા ખર્ચને ધ્યાનમાં લઈને કેરોસીનની ભાવ બાંધણી કરવામાં આવેલ છે. જે પ્રતિ લીટર 61.40 થી 66.14 વચ્ચે નિયત કરેલ છે.
