‘બ્રાસ સિટી’ તરીકે સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ ધરાવતો જામનગરનો બ્રાસ ઉદ્યોગ હાલમાં એક અત્યંત કપરા અને પડકારજનક દોરમાંથી પસાર થઈ રહ્યો છે. હાલમાં મધ્ય-પૂર્વના દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને ભૌગોલિક તણાવની સીધી અને નકારાત્મક અસર જામનગરના જીવાદોરી સમાન બ્રાસ ઉદ્યોગ પર પડી રહી છે.
આ વિકટ પરિસ્થિતિમાં ઉદ્યોગકારોને પડતી આર્થિક અને વ્યવસાયિક મુશ્કેલીઓને વાચા આપવા માટે ’જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન’ દ્વારા દેશના કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનજી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ના ચેરમેન તેમજ જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવીને બ્રાસ ઉદ્યોગને આ સંકટમાંથી ઉગારવા માટે તાત્કાલિક ધોરણે આર્થિક સહાય અને રાહત પેકેજની માંગણી સાથે અસરકારક રજૂઆત કરવામાં આવી છે.
આ રજૂઆતપત્રમાં ઉદ્યોગની વાસ્તવિક અને ગંભીર પરિસ્થિતિનો ચિતાર આપતા સ્પષ્ટપણે જણાવાયું છે કે, જામનગરના બ્રાસ ઉદ્યોગમાં બનતા વિવિધ બ્રાસ પાર્ટ્સના ઉત્પાદન માટે વિદેશથી આયાત કરવામાં આવતો પિત્તળનો ભંગાર (સ્ક્રેપ) અત્યંત મહત્વનો કાચો માલ છે. છેલ્લા થોડા મહિનાઓમાં જ આ ધાતુ ભંગારના આંતરરાષ્ટ્રીય ભાવોમાં આશરે 40ટકા થી 60ટકા જેટલો તોતિંગ ઉછાળો નોંધાયો છે, જેણે ઉત્પાદન ખર્ચમાં માતબર વધારો કર્યો છે.
વધુમાં, મધ્ય-પૂર્વના દેશોમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે દરિયાઈ માર્ગે થતા પરિવહનમાં ભારે વિક્ષેપ પડ્યો છે. પરિણામે, વિદેશથી આવતા કાચા માલ અને અહીંથી નિકાસ થતા તૈયાર માલના ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને સમય બંનેમાં નોંધપાત્ર વધારો થયો છે. ડીલેવરીમાં થતા આ અનિવાર્ય વિલંબને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ઉત્પાદકોની શાખ અને સ્પર્ધાત્મકતા પર ખૂબ જ ગંભીર અને નકારાત્મક અસર પડી રહી છે, જેના લીધે ઉદ્યોગકારો ભારે આર્થિક ભીંસ અને નાણાંકીય તરલતા (લિક્વિડિટી) ની ખેંચનો સામનો કરી રહ્યા છે.
રોજગારીના વિશાળ સ્ત્રોત અને જામનગરના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન આ બ્રાસ ઉદ્યોગને પડી ભાંગતો બચાવવા અને તેને ટકાવી રાખવા માટે તાત્કાલિક સરકારી હસ્તક્ષેપ અને આર્થિક ટેકાની અત્યંત આવશ્યકતા છે. આ સંદર્ભે જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન દ્વારા કરાયેલી રજૂઆતમાં એક નક્કર ઉકેલ સૂચવવામાં આવ્યો છે.
એસોસીએશનની માંગ છે કે, ભૂતકાળમાં કોવિડ-19 ની મહામારી દરમિયાન જે રીતે ઉદ્યોગજગતને બેઠો કરવા માટે 20ટકા થી 30ટકા વધારાનું ફંડિંગ આપવાની વિશિષ્ટ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, બરાબર તે જ તર્જ પર હાલની આ કટોકટીને ધ્યાને લઈને બેંકો દ્વારા વર્તમાન ઔદ્યોગિક એકમોને તેમની જરૂરિયાત મુજબ 20ટકા થી 30ટકા સુધીની વધારાની કાર્યકારી મૂડી (વર્કિંગ કેપિટલ) સત્વરે ઉપલબ્ધ કરાવવામાં આવે. આ ઉપરાંત, ઉદ્યોગકારોને રાહત આપવા માટે હાલની બેંક લોનની ચુકવણીના સમયગાળામાં વધારો કરવામાં આવે અથવા તો હપ્તા ભરવામાં મોરેટોરિયમ પિરિયડ મંજૂર કરવામાં આવે, જેથી રોજગારલક્ષી આ ઐતિહાસિક ઉદ્યોગ ફરીથી ધમધમતો થઈ શકે.
