લેખક-નિર્દેશક સંતોષકુમારનો પુરાવા સાથે આક્ષેપ
બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહેલી રણવીર સિંહ સ્ટારર અને આદિત્ય ધર નિર્દેશિત ફિલ્મ ’ધુરંધર 2’ ને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક તરફ આ ફિલ્મને હિન્દી સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મોમાં ગણવામાં આવી રહી છે, તો બીજી તરફ હવે વાર્તા ચોરી કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. એક ફિલ્મમેકર અને લેખકે દાવો કર્યો છે કે ’ધુરંધર ધ રિવિંજ’ ની વાર્તા તેમની મૂળ સ્ક્રિપ્ટમાંથી ચોરવામાં આવી છે, જેને લઈને સોશિયલ મીડિયા પર બોલિવૂડમાં મૌલિકતા અને કોપીરાઈટ બાબતે નવી ચર્ચા છેડાઈ છે.
રિપોર્ટ અનુસાર, લેખક-નિર્દેશક સંતોષ કુમાર છ.જ એ આક્ષેપ કર્યો છે કે તેમણે 2023માં એક મોટી પ્રોડક્શન હાઉસ સાથે આ સ્ક્રિપ્ટ શેર કરી હતી. તેમનો ઈરાદો આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂરને મુખ્ય ભૂમિકામાં લેવાનો હતો. સંતોષ કુમારનો દાવો છે કે તેમની મૂળ વાર્તાને બદલીને તેને રાજકીય પ્રોપેગેન્ડા નું રૂૂપ આપી દેવામાં આવ્યું છે. પુરાવા તરીકે તેમણે ઈમેલ અને સ્ક્રિપ્ટના કેટલાક પાના પણ મીડિયા સમક્ષ રજૂ કર્યા છે. હવે તેઓ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યા છે.
જોકે, આ સ્ક્રિપ્ટ વિવાદ અને પ્રોપેગેન્ડાના આરોપોની ફિલ્મની કમાણી પર કોઈ ખાસ અસર જોવા મળી નથી. ’ધુરંધર 2’ દેશ અને વિદેશમાં રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે. રિલીઝના માત્ર 12 દિવસમાં જ આ સ્પાય થ્રિલર ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 836 કરોડનો બિઝનેસ કરી લીધો છે. જ્યારે વર્લ્ડવાઈડ કલેક્શન ની વાત કરીએ તો આ આંકડો 1380 કરોડને પાર કરી ગયો છે. આદિત્ય ધરની આ ફિલ્મે સફળતાના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે.
