સુપ્રીમ કોર્ટે ફરી એક વાર દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) એટલે કે, સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની તરફેણ કરી છે. સુપ્રીમ કોર્ટમાં શરિયત કાયદો 1937ની કેટલીક કલમો રદ કરવાની માગ કરતી અરજી થઈ છે. અરજીમાં આક્ષેપ કરાયો છે કે, આ કાયદાઓના કારણે મુસ્લિમ મહિલાઓ સાથે ભેદભાવ થાય છે તેથી આ કાયદા રદ કરી નાખવા જોઈએ. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ રીતે ભેદભાવની વાત સ્વીકારી છે પણ કહ્યું છે કે, મુસ્લિમ મહિલાઓ સાથે ભેદભાવનો મુદ્દો ગંભીર છે પણ તેના પર નિર્ણય લેવાનું કામ સંસદનું છે તેથી સંસદ યુનિફોર્મ સિવિલ કોડ બનાવીને આ ભેદભાવ દૂર કરે. શરિયતમાં મુસ્લિમ પુરૂૂષોને ચાર પત્ની રાખવાની છૂટ અને મહિલાઓને સંપત્તિમાં હિસ્સો નહીં સહિતના કાયદા મહિલાઓના અધિકારોનું હનન કરનારા છે પણ સુપ્રીમ કોર્ટ તેમને રદ કરવાની હિંમત નથી બતાવી શકી.
તેના બદલે કોર્ટે એવી દલીલ કરી કે, શરિયત કાયદાની કલમો રદ કરવામાં આવે તો મુસ્લિમોમાં સંપત્તિના વિભાજનને લઈને સ્પષ્ટ કાયદો રહેશે નહીં ને કાયદાકીય શૂન્યાવકાશ થઈ શકે છે. આ સંજોગોમાં જેમના અધિકારોની વાત થઈ રહી છે તેમને જ નુકસાન થાય એવું બની શકે છે. અરજદારો વતી વકીલ પ્રશાંત ભૂષણે સૂચવ્યું કે, શરિયત કાયદાની કલમો રદ કરીને ભારતીય ઉત્તરાધિકાર કાયદો લાગુ કરી શકાય છે પણ સુપ્રીમ કોર્ટ સ્પષ્ટ વલણ લેવા નથી માગતી તેથી તેણે સરકાર પર બધું ઢોળી દીધું. ભાજપ સરકારને આ રીતે સુપ્રીમ કોર્ટે વારંવાર ટકોર કરી છે પણ સરકારને યુસીસી લાવવામાં રસ નથી તેથી સુપ્રીમ કોર્ટની ટકોર છતાં આ મામલો લટકેલો જ રહેશે એવું લાગે છે. સુપ્રીમ કોર્ટની વારંવારની ટકોર છતાં ભાજપ સરકાર યુનિફોર્મ સિવિલ કોડ કેમ લાગુ કરતી નથી એ સવાલ મહત્ત્વનો છે.
ભાજપ શાસિત ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ થઈ ગયો છે અને ગુજરાત સહિત દેશનાં બીજાં રાજ્યોમાં પણ તેના અમલની તૈયારીઓ ચાલી રહી છે પણ ભાજપ કેન્દ્રમાં યુનિફોર્મ સિવિલ કોડનો અમલ નથી કરી રહ્યો. ભાજપ શાસિત રાજ્યોમાં પણ યુનિફોર્મ સિવિલ કોડનું ગાજર લટકાવી રખાયું છે પણ અમલ તો એક જ રાજ્યમાં થયો છે. ભાજપ કેન્દ્રમાં સત્તા પર આવ્યો એ પહેલાંથી યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની વાતો કરતો હતો પણ કેન્દ્રમાં સરકારનાં 12 વર્ષ પછી પણ તેનો અમલ નથી કરાયો એ જોતાં ભાજપ ખરેખર યુનિફોર્ન સિવિલ કોડ લાગુ કરવા મુદ્દે ગંભીર છે કે પછી લોકોને ફોસલાવવા માટે યુનિફોર્મ સિવિલ કોડની વાતો કર્યા કરે છે એ સવાલ છે. ભાજપે ઉત્તરાખંડમાં હજુ હમણાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ કર્યો પણ તેની જાહેરાત તો પાંચ વર્ષ પહેલાં કરાયેલી. ઉત્તર પ્રદેશમાં તો 2017માં એટલે કે લગભગ 10 વર્ષ પહેલાં ભાજપે યુનિફોર્મ સિવિલ કોડનું કાર્ડ ખેલ્યું હતું. યુપીમાં ભાજપ સરકારની બીજી ટર્મ છે પણ યુનિફોર્મ સિવિલ કોડનું ગાજર હજુ લટકેલું જ છે.
