ગુજરાતભરમાં પ્રદેશ નિરિક્ષકોએ શરૂ કરેલી સેન્સ પ્રક્રિયા, ટોળા શાહીની મનાઈ, ટિકિટ વાંચ્છુકો ફોર્મ ભરીને રજૂ કરી શકશે
ગુજરાત નગરપાલિકા મહાનગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીઓ ગમે ત્યારે જાહેર થવધાની ધારણા છે ત્યારે ભાજપ-કોંગ્રેસ-આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારો નક્કી કરવાની કવાયત પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ તો પાલિકા-પંચાયતોના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જ્યારે કોંગ્રેસે પણ નિરીક્ષકો નિચી સેન્સપ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. હવે સત્તાધારીપક્ષ ભાજપ દ્વારા આજથી ત્રણ દિવસ સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ વખતે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીમાં ટોળાશાહીની મનાઈ ફરમાવવામાં આવી છે અને ટિકિટ વાંચ્છુઓને ફેસ ટુ ફેસ સાંભળવાના બદલે માત્ર તેમની પાસેથી નિયમ નમુનામાં ફોર્મ ભરાવવાની પ્રથા અમલમાં મુકવામાં આવી છે.
ભાજપના સત્તાવધાર સુત્રોના કહેવા મુજબ 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતોની કુલ 1300 બેઠકોના ઉમેદવારો નક્કી કરવા માટે આજથી ત્રણ દિવસ માટે સેન્સપ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 3-3 નિરીક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે. દરેક શહેર-જિલ્લામાં સેન્સપ્રક્રિયા બે થી ત્રણ દિવસ ચાલશે. બે દિવસમાં જે શહેર-જિલ્લામાં સેન્સ પ્રક્રિયા બાકી રહે ત્યાં ત્રીજા દિવસે સેન્સ લેવામાં આવનાર છે.
ત્રણ દિવસની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્થાનિક કક્ષાએ સંકલનની બેઠકમાં ત્રણ-ત્રણ ઉમેદવારોની પેનલ બનાવવામાં આવશે અને તા.4 એપ્રિલે સાંજ સુધીમાં આ પેનલોનું લિસ્ટ પ્રદેશ કાર્યાલયમાં જમા કરાવી દેવામાં આવશે અને ત્યારબાદ પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારોની આખરી પસંદગી કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની 72 બેઠકના ઉમેદવારો પસંદ કરવા માટે આવતીકાલે સવારથી કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે. શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવેએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં ત્રણ ઝોનમાં કુલ 9 નિરિક્ષકો દ્વારા આવતીકાલથી સેન્સ લેવામાં આવશે. બે દિવસમાં સેન્સપ્રક્રિયા પૂર્ણ કરાશે છતાં બાકી રહે તો ત્રીજા દિવસે પણ નિરીક્ષકો બેસશે.
ત્રણ ઝોનમાં છ-છ વોર્ડની સેન્સ પ્રક્રિયા થશે. ટિકીટ દાવેદારોને વ્યક્તિગત સાંભળવાના બદલે સીધા નિયત નમુનામાં ભરાયેલા ફોર્મ જ નિરીક્ષકો સ્વિકારશે અને તેના આધારે આગળના નિર્ણય લેવામાં આવશે.
